જામનગર શહેરના બર્ધન ચોકમાં સિંધી કાપડ માર્કેટમાં પાણીના પરબ નજીક મુકાયેલી દેવી-દેવતાઓના ફોટા સ્વરૂપે લગાડેલી મૂર્તિમાં આવારા તત્વોએ કલર ફેંકી લાગણી દુભાવતા વેપારીઓએ બંધ પાડી પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના બર્ધન ચોક વિસ્તારમાં આવેલી સિંધી કાપડ માર્કેટમાં રહેલાં પાણીના પરબ પાસે હિન્દુ દેવી-દેવતાઓની ફોટાવાળી લગાડેલી મૂર્તિઓ લગાડવામાં આવી છે. આ મૂર્તિઓ ઉપર હિન્દુ વિરોધી કટ્ટરવિચારધારા ધરાવતા અસામાજિક તત્વો દ્વારા સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલજી તેમજ અન્ય સંતોની મૂર્તિઓ ઉપર કલર નાખી હિન્દુ દેવો તથા સંતોનું અપમાન કર્યુ હતું અને ધાર્મિક લાગણીઓને ઠેંસ પહોંચાડી હતી. કરાયેલા આ હિંચકારા કૃત્યના કારણે સિંધી કલોથ માર્કેટ એસોસિએશનના વેપારીઓમાં ઉગ્ર રોષ ફેલાઈ ગયો હતો અને મંગળવારે બપોર પછી વેપારીઓએ બંધ પાડયો હતો અને સિંધી કલોથ માર્કેટ એસોસિએશન દ્વારા બાઈક રેલી યોજવામાં આવી હતી.
રેલી યોજી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુને અસામાજિક કૃત્ય આચરનારા અને કોમવાદ ફેલાવવાનું કૃત્ય આચરતા તત્વો સામે કડક પગલાં લેવા માંગણી કરવામાં આવી હતી. જો આગામી દિવસોમાં આ શખ્સો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી પણ આપવામાં આવી હતી.