ખંભાળિયા નગરપાલિકા અગાઉના સમયમાં વેરા વસુલાત માટે તદ્દન નબળી પુરવા થઈ હતી. આ પરિસ્થિતિમાં અનેક બાકીદારોની ભરવાની થતી રકમ નગરપાલિકા વસૂલ કરવામાં નિષ્ફળ નીવળ્યા બાદ તાજેતરમાં ખંભાળિયા નગરપાલિકાએ વેરા વસુલાત માટે જાણે સફાળી જાગૃત થઈ અને કમર કસી હોય તેમ લોકોને કરવેરા ભરપાઈ કરવા અંગેના બેનરો ધાર્મિક સ્થળોએ પણ લગાવી દીધા છે.
ખંભાળિયા શહેરમાં મિલકત ધરાવતા આસામીઓના હાઉસ ટેક્સ, નળવેરા, સફાઈ ચાર્જ, વિગેરેની ભરવાની થતી રકમ લોકો ભરવા માટે બેદરકાર રહ્યા હોય તેમ કરોડો રૂપિયાની રકમ બાકી નીકળતી હતી. અગાઉના સમયમાં વાર્ષિક ત્રીસેક ટકા સુધી વસુલાત થતી વિવિધ ટેક્સની રકમ સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓમાં ઓછી વસુલાતની યાદીમાં આવતી હતી.
વેરા વસુલાત માટે નગરપાલિકા દ્વારા માત્ર નોટિસ આપી અને એકલ-દોકલ આસામીના નળ કનેક્શન કે સામાન્ય મિલકત સીલ કરવાની અંગેની કામગીરી કરવા સિવાય કોઈ નક્કર પગલા અગાઉ લેવામાં આવ્યા નથી. જેના ફળ સ્વરૂપે નગરપાલિકાની લ્હાણી રકમ ભરવા સામે બેદરકાર જોવા મળે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા તંત્ર દ્વારા હાઉસ ટેક્સ વિભાગમાં ફેરફાર તથા વસુલાત અંગેની રણનીતિ વચ્ચે વર્ષોથી મોટી રકમ ન ભરપાઈ કરતા આસામીઓ સામે આકરા પગલાં લેવાના બદલે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં બેનરો મારી અને લોકોને તેમના તા. 31 માર્ચ 2023 સુધીના કરવેરા તાકીદે ભરી જવા નહીંતર આગામી સમયમાં મ્યુનિસિપલ એક્ટની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
સમયાંતરે અને નિયમિત રીતે નિયમ મુજબ વેરાની કડક વસુલાત કરવાના બદલે ધર્મ સ્થળોએ આ પ્રકારના અલ્ટીમેટમ આપતા બેનરોથી દર્શન કરવા જતા ભક્તોમાં કચવાટની લાગણી જોવા મળી રહી છે.