જામનગર જિલ્લાની પોલીસ અધિક્ષકની કચેરી, વિભાગીય અધિકારીની કચેરી, સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની કચેરી તથા પોલીસ સ્ટેશનો અને અન્ય પોલીસ વિભાગની શાખા/ કચેરીઓ આવેલી છે. જે કચેરી/ શાખા/ પોલિસ સ્ટેશન ખાતે લોકો દ્વારા તેમના પ્રશ્ર્નો બાબતે આંદોલન, ઉપવાસ તથા ધરણા પર બેસવામાં આવે છે. જેથી ખુબ જ મોટા સ્વરૂપે લોકોના ટોળા, રેલી અથવા સરધસ દ્વારા પોલીસ વિભાગની કચેરીના પરિસરમાં મોટા અવાજે સુત્રોચ્ચાર કરવામાં આવે છે. જેના કારણે પોલીસ વિભાગની કચેરી તથા ઉકત તમામ કચેરીઓની કામગીરી ખોરવાય છે. તેમજ કામગીરી સબબ આવતા નાગરીકોને અગવડતા થાય છે.
જેથી પોલીસ વિભાગની કચેરી તથા ઉક્ત તમામ કચેરી/શાખા/વિભાગના પરિસરમાં આવેલી કચેરીઓની કામગીરીમાં વિક્ષેપ ઉભા ન થાય, નાગરિકોને અગવડતા ન થાય તથા કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કચેરીઓના પરિસરમાં ઉપવાસ, આંદોલન તથા ધરણા કરવા પર નિયંત્રણો ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ, જામનગર જિલ્લામાં આવેલી પોલીસ વિભાગની તમામ શાખા/ કચેરીના પરિસરના 100 મીટરના વિસ્તારમાં આંદોલન, ઉપવાસ, ધરણા પર બેસવા કે આવી કોઈ પ્રવૃતિ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાંનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય દંડ સંહિતા- 1860 (45 માં અધિનિયમ) ની કલમ- 188 મુજબ શિક્ષાને પાત્ર થશે. ઉક્ત પ્રતિબંધાત્મક હુક્મ આગામી તા. 11/09/2023 સુધી અમલમાં રહેશે.