જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં અનઅધિકૃત્ત રીતે ઘાસચારાનું વેચાણ કરતાં વિક્રેતાઓ ઉપર ઘોંસ બોલાવવામાં આવી છે. છેલ્લાં થોડા દિવસોથી શહેરના વિવિધ વિસ્તારોમાં ઘાસનું વેચાણ કરતાં વિક્રેતાઓ વિરૂધ્ધ તવાઇ બોલાવી દંડનિય કાર્યવાહીની સાથે ઘાસની જપ્તી સહિતના કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા રખડતા ઢોર પકડવાની કાર્યવાહી દરમિયાન ઢોર માલિકો સાથે રકઝક થાય છે અને કડક કાર્યવાહી થઈ શકતી નથી. શહેરના અનેક માર્ગો પર રખડતા ઢોરની સમસ્યા યથાવત સ્થિતિમાં જોવા મળે છે. જ્યારે ઘાસ વેંચી ગુજરાન ચલાવતા સામાન્ય લોકો ઉપર જામ્યુકોનું તંત્ર તવાઈ બોલાવી કામગીરી કર્યાનો દેખાડો કરી રહ્યું છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના અનુસાર શહેરમાં ગેરકાયદેસર રીતે અને ટ્રાફિકને અડચણરૂપ ઘાસચારાનું વેચાણ કરતાં આસામીઓ પર કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જેને લઇ જામ્યુકોના એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દિક્ષીતની રાહબરી હેઠળ શહેરના મીગ કોલોની વિસ્તાર, સાધના કોલોની, આર્યસમાજ રોડ, મારૂ કંસારાની વાડી, પંચવટી ગૌશાળા, ગીતા મંદિર, ગોલ્ડન સીટી, ખોડિયાર કોલોની, 80 ફુટ રોડ, ગુલાબનગર મામાના મંદિર પાસે, ભીમવાસ, નાગેશ્ર્વર મંદિર, નદીનો પટ હરિયા કોલેજ રોડ દિગ્વીજય પ્લોટ 50ના છેડે, ઉદ્યોગનગર પોલીસ ચોકી પાસે તથા રણજીતનગર લેઉવા પટેલ સમાજ સહિતના વિસ્તારોમાંથી ગઈકાલે 70 મણ જેટલો ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઘાસના ત્રણ વિક્રેતા ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આજરોજ ફરી એસ્ટેટ શાખા દ્વારા ઘાસ જપ્તીની કાર્યવાહી યથાવત રાખતા વધુ 40 મણ ઘાસચારો જપ્ત કરતાં બે દિવસમાં કુલ 110 મણ ઘાસચારો જપ્ત કર્યો હતો અને આ ઘાસના જથ્થાને જામનગર મહાનગરપાલિકા સંચાલિત ગોલ્ડન સીટી પાછળ આવેલ સોનલનગરના ઢોરના ડબ્બામાં મોકલી આપવામાં આવ્યો હતો.
તેમજ પંજાબી ઢાબા પાસેથી જી.જે-10 ટીએકસ 1131 નંબરનો ઘાસનો જથ્થો ભરેલ છોટા હાથી પર જપ્ત કરી દંડની વસુલાત કરવામાં આવી હતી અને આ ઘાસના જથ્થાને જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બે મોકલવામાં આવ્યો હતો. એસ્ટેટ શાખા તથા સોલિડ વેસ્ટ શાખા દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. આથી તમામ ઘાસ વેચવા વાળાઓને જામ્યુકો દ્વારા કોઇપણ જગ્યાએ ઘાસ ન વેચવા અને નાગરિકોને પણ ઘાસની ખરીદી ન કરવા સહકાર આપવા અપીલ કરાઇ છે. આમ છતાં જે લોકો ઘાસ વેચવાનું ચાલુ રાખશે તેમના પર પોલીસ ફરિયાદની પણ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જે લોકો ઘાસ ખરીદી જાહેર જગ્યા ઉપર નાખશે તેમના ઉપર પણ ફરિયાદની કાર્યવાહી કરવામાં આવશે.
જામનગર શહેરમાં રખડતા ઢોરને કારણે અનેક નાગરિકો હડફેટે ચડયા છે. તંત્ર દ્વારા રખડતા ઢોરની સમસ્યા નિવારવા રખડતા ઢોરને પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે પરંતુ તેમાં ઢોર માલિકો સાથે અનેક વખત રકઝક થયાના બનાવો બનતા રહે છે. ત્યારે તંત્ર રખડતા ઢોર પકડી ઢોર માલિકો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાને બદલે ઘાસચારો વેંચી પરિવારજનું ગુજરાન ચલાવતા સામાન્ય લોકો વિરૂધ્ધ કાર્યવાહી કરી કડક કાર્યવાહી કર્યાના દેખાવો કરી રહ્યું છે. ઢોર માલિકો વિરૂધ્ધ કડક કાર્યવાહીની જગ્યાએ ઘાસચારો વેચતા સામાન્ય લોકો તંત્રનો ભોગ બની રહ્યા છે.