દેશમાં થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાની કમીના સંબંધિત અહેવાલ સામે આવતા જ પાવર એક્સચેન્જમાં કોલસાના ભાવ પણ વધવાના અહેવાલ સામે આવી રહ્યા છે. દેશમાં વીજળીનું ઓછુ ઉત્પાદન થવાના કારણે વીજળી બનાવતી ખાનગી કંપનીઓ અને ઘણી સ્ટેટ ટ્રાન્સમિશન યુટિલિટી જોરદાર નફો કમાઈ રહી છે.
એનર્જી એક્સચેન્જમાં કંપનીઓ ત્રણ ગણા દરે વિજળી વેંચી રહી છે. ભારતના પાવર સેક્રેટરી આલોક કુમારે રાજ્યોના વીજ ઉત્પાદનના આંકડા ઉપર નજર રાખવા અને આયાત કરેલા કોલસા આધારિત પાવર પ્લાન્ટ કેપેસિટી વધારવાથી ઈનકાર કરે તો તેના સામે આકરી કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.
13 ઓક્ટોબરના પાવર એક્સચેન્જના આંકડા બતાવે છે કે વીજ ઉત્પાદન કરતી કંપનીઓ અને સ્ટેટ ટ્રાન્સમિશન કંપનીઓએ વીજળી 16 થી 18 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે વેંચી છે. દેશમાં કોલસા સંકટ પહેલા વીજળીના ભાવ 4 થી 6 પ્રતિ યુનિટ હતા.
ટ્રાન્સમિશન કોર્પોરેશન ઓફ તેલંગણ લિમિટેડ અને કર્ણાટક પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડે 16 ઓક્ટોબરના રોજ 16 અને 15 પ્રતિ યુનિટના ભાવે વીજળી વેચી હતી. આવી જ રીતે અન્ય કંપનીઓએ પણ નફો એકત્રિત કર્યો હતો.