વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 11 માર્ચ સુધી 12 પોસ્ટ-બજેટ વેબિનરને સંબોધિત કરશે. આ દરમિયાન તેઓ ગ્રીન ગ્રોથથી લઈને મહિલા સશક્તિકરણ સુધીના મુદ્દાઓ પર વાત કરશે. વેબિનારનું આયોજન વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા કરાઈ રહ્યું છે. આ વેબિનાર બજેટની જાહેરાતોના અમલીકરણ માટે તમામ હિતધારકોને એકસાથે લાવવા યોજાઈ રહ્યો છે, જેની કલ્પના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ વેબિનારોની મદથી જાહેર અને ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોને એકસાથે લાવી શકાય છે. જનભાગીદારીની ભાવનાથી 2021માં પોસ્ટ-બજેટ વેબિનાર શરૂ કરાયા હતા. 23 ફેબ્રુઆરીથી 11 માર્ચ સુધી આયોજિત આ વેબિનારમાં સંબંધિત વિભાગોના કેન્દ્રીય મંત્રીઓ, સરકારી વિભાગોના મુખ્ય હિતધારકો, નિયમનકારો, શિક્ષણવિદો, વેપાર અને ઉદ્યોગ સંગઠનો વગેરે ઉપસ્થિત રહેશે. વેબિનાર દરમિયાન બજેટમાં કરાયેલી જાહેરાતોને પૂર્ણ કરવા પર ચર્ચા થશે. આ દરમિયાન વિવિધ મંત્રાલયો, વિભાગો અને તમામ હિતધારકો વચ્ચે સંકલન પર વાત થશે. આ સાથે કામ સમયસર પૂર્ણ થાય તે માટે ત્રણ મહિનાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવશે.