વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના સચિવો સાથે લાંબી બેઠક યોજી હતી. દરમિયાન વડાપ્રધાને આશ્ચર્ય વ્યક્ત કર્યુ કે વિકાસનો દૃષ્ટિકોણ હોવા છતાં અમલદારો તેને લાગૂ કરવામાં પાછા પડી રહ્યા છે.
સૂત્રો અનુસાર કેન્દ્ર સરકાર વિકાસના દૃષ્ટિકોણ સાથે કામ કરી રહી છે પરંતુ વાસ્તવિક રીતે કંઈ દેખાઈ રહ્યું ન હોવાથી મોદી અધિકારીઓ પર ભડકી ઉઠયા હતા. કેન્દ્રિય મંત્રી મંડળમાં ફેરબદલના લાંબા સમય બાદ યોજાયેલી આ બેઠક આશરે 4 કલાક ચાલી હતી. બેઠકમાં કેટલાક સચિવોએ વિવિધ નીતિગત બાબતોમાં પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો અને શાસનમાં સુધાર તથા યોજનાઓ તથા કાર્યક્રમોને જમીની સ્તરે ઉતારવા માટે સૂચનો કર્યા હતા. અધિકારીઓની વાત સાંભળ્યા બાદ મોદીએ કહ્યું કે એ વખાણવા લાયક છે કે દરેક પાસે દૃષ્ટિકોણ તો છે પરંતુ આશ્ચર્ય છે કે એ દૃષ્ટિકોણની અમલવારી કેમ થઈ રહી નથી ? મોદીએ સચિવોને કહ્યું કે તેમણે સચિવ તરીકે વર્તાવ કરવાને બદલે પોતપોતાની ટીમના નેતા તરીકે કામ કરવું જોઈએ. સૂત્રોએ કહ્યું કે આ બેઠક બાદ અમલદારોમાં વ્યાપક ફેરબદલનો સંકેત મળે છે.
અમલદારો પર ભડકયા પ્રધાનમંત્રી મોદી
સરકારનાં કામો જમીની સ્તર પર દેખાતાં કેમ નથી ?!: અકળાયેલા પીએમ એ પૂછયું