જામનગર શહેરમાં પવનચક્કીથી લાલપુર બાયપાસ પર રહેલા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા તમામ દબાણકારોને નોટીસ આપ્યા બાદ પણ દબાણકારો દ્વારા કોઇ કાર્યવાહી ન કરતાં એસ્ટેટ શાખા દ્વારા આજે સવારથી જ દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પવનચક્કીથી લાલપુર બાયપાસ સુધીના માર્ગને ગૌરવપથ જાહેર કરવાનો હોવાથી જામ્યુકોની દબાણ હટાવ શાખા દ્વારા આ માર્ગ પરના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત જામનગર શહેરના જનતા ફાટકથી આશાપુરા હોટલ તરફ જતાં માર્ગ પરથી પણ દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. એસ્ટેટ શાખાના એન.આર. દિક્ષીત, અનવર ગજ્જણ, યુવરાજસિંહ ઝાલા, સુનિલ ભાનુશાળી સહિતના સ્ટાફ દ્વારા માર્ગો પરથી હોર્ડિંગ્સ તેમજ પાથરણા રાખી વેચાણ કરતાં વેપારીઓ સહિતના વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. દબાણો હટાવી દંડ પણ વસુલ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.