વિશ્વવિખ્યાત ધર્મનગરી દ્વારકાના પાદરમાં તા. 16 ફેબ્રુઆરીથી શરૂ થયેલા બાવન જિનાલયના મહોત્સવમાં સમગ્ર દેશ-વિદેશથી જૈન સમુદાયના લોકો ઉમટી પડ્યા હતા. છેલ્લા પાંચ દિવસથી હજારોની સંખ્યામાં જૈન શ્રેષ્ઠીઓએ આ બાવન જીનાલયના દર્શન કરી, ધન્યતાનો અનુભવ કર્યો હતો. દ્વારકા તીર્થ ક્ષેત્ર છેલ્લા પાંચ દિવસથી જાણે જૈન તીર્થ બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રતિષ્ઠિત જૈન સમાજના નેતાઓ, ઉદ્યોગપતિઓ અને વેપારી વર્ગ તથા જૈન સમાજ – સંસ્થાના અગ્રણીઓ પણ આ ભવ્યાતિભવ્ય મહોત્સવમાં જોડાયા હતા. ગત મંગળવાર તા. 21 ના રોજ જૈન સમાજના જુદા જુદા પ્રાંતના મહારાજઓ, દીક્ષાર્થીઓ દ્વારકા ખાતે નવનિર્મિત જીનાલય મહોત્સવમાં ભાગ લીધો હતો. જૈન સમાજના ધર્મપ્રેમીઓએ મહારાજની વાજતે ગાજતે શોભાયાત્રા કાઢીને વાતાવરણને વધુ ધર્મમય અને શ્રદ્ધા ભાવના સંગમ સાથે જૈન સમાજની એકતાનો સંદેશ આપ્યો હતો. આ મહોત્સવ દરમિયાન મુખ્ય બે કાર્યક્રમ યોજાયા હતા. જેમાં બાવન જીનાલય સંકુલમાં સ્થાપિત કરવામાં આવેલ બાવન મૂર્તિઓની વિધિવિદ્યાન મુજબ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ગઈકાલે ગુરુવારે કાર્યક્રમના સમાપન પ્રસંગે ધર્મના સિદ્ધાંતો મુજબ ઉત્સવની પૂર્ણાહુતિથી યોજાઇ હતી. તથા જીનાલય ભક્તો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.