Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારની જિલ્લા-તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓ માટે આવતીકાલે મતદાન

હાલારની જિલ્લા-તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓ માટે આવતીકાલે મતદાન

આવતીકાલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે : જામનગર જિલ્લા-તાલુકા પંચાયતમાં કુલ 705 મતદાન મથકોએ મતદાન પ્રક્રિયા યોજાશે : સિક્કા નગરપાલિકાની ચૂંટણી માટે 23 મતદાન મથકો પર મતદાન યોજાશે

- Advertisement -

જામનગર જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીનું આવતીકાલે મતદાન યોજાશે. સવારે નિયત સમયથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જામનગર સહિત હાલાર પુંથકમાં જિલ્લા તથા તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા માટે આવતીકાલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાનાર મતદાનને લઇને વહીવટી તંત્ર સજ્જ બની ચૂકયું છે. જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો, તાલુકા પંચાયતની કુલ 112 બેઠકો ઉપરાંત દ્વારકા જિલ્લાની જિલ્લા પંચાયતની 22 બેઠકો, ખંભાળિયા નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠકો, સિક્કા નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાશે.

- Advertisement -

આવતીકાલે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન માટે જામનગર જિલ્લા પંચાયતમાં કુલ 705 મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા યોજાશે. 705 મતદાન પૈકી 205 મતદાન મથક સંવેદનશિલ મતદાન મથક તથા 22 અતિસંવેદનશિલ મતદાન મથક તરીકે જાહેર કરાયા છે. જામનગરના કુલ 5,43,059 મતદારો જિલ્લા પંચાયતની બેઠકો માટે મત્તાધિકારનો ઉપયોગ કરશે. સિક્કા નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠક માટે આવતીકાલે યોજાનારા મતદાન માટે 23 મતદાન મથકો જાહેર કરાયા છે. જે તમામ મતદાન મથક સંવેદનશિલ છે. સિક્કા નગરપાલિકાની ચૂંટણી માટે કુલ 115 કર્મચારીઓને મતદાન મથક પર ફરજ સોંપવામાં આવી છે.

સંવેદનશિલ અને અતિસંવેદનશિલ મતદાન મથકોએ મતદારો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રવિશંકર તેમજ જિલ્લા પોલીસ વડા દિપેન ભદ્રન સહિતના સ્ટાફ દ્વારા આવતીકાલે યોજાનાર ચૂંટણી માટે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તકેદારી રખાઇ રહી છે. કુલ 752 પોલીસ કર્મચારીઓ તેમજ 1135 હોમગાર્ડ-ગ્રામ રક્ષક દળના કર્મચારીઓ ફરજ ઉપર તૈનાત રહેશે. જિલ્લા-તાલુકા પંચાયતના કુલ 705 મતદાન મથકો તથા સિક્કા નગરપાલિકાના કુલ 23 મતદાન મથકો માટે કુલ 95 ઝોનલ રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઝોનલ રૂટ ઉપર 95 ઝોનલ ઓફિસરને ફરજ સોંપવામાં આવી છે. ઝોનલ ઓફિસર પોતાના રૂટમાં આવતાં તમામ મતદાન મથકો ઉપર આજે અને આવતીકાલે મુલાકાત લઇ સમગ્ર પ્રક્રિયા અંગે દેખરેખ રાખશે.

- Advertisement -

આવતીકાલે જામનગર અને દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના મહાપર્વની ઉજવણી થશે. પાંચ વર્ષ પછી આવતા મહાપર્વ એવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખાસ કરીને રાષ્ટ્રીય પક્ષો માટે પડકારરૂપ તથા મતદારો માટે આગામી ભવિષ્ય નક્કી કરવાનું સિમાચિહ્ન બની રહે છે. સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આવતીકાલે રવિવારે જિલ્લા પંચાયત, ચાર તાલુકા પંચાયત, બે નગરપાલિકાની કુલ સાત સામાન્ય ચૂંટણી અને સલાયા નગરપાલિકામાં પેટા ચૂંટણી યોજાશે. આ માટે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. આજે ‘કતલની રાત્રે’ કંઈક ઊથલપાથલ અને નવા-જૂની થાય તો નવાઈ નહીં.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ચૂંટણીઓમાં આ વખતે વિવિધ કારણોસર મતદારો નિરસ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં રાજ્યના છ જિલ્લાઓમાં યોજાઈ ગયેલી મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીના મતદાન થયેલા કંગાળ મતદાન વચ્ચે આ વખતે જોવા મળતી નબળા મતદાનની પરિસ્થિતિએ ખાસ કરીને રાજકીય પક્ષોના હોદ્દેદારો, આગેવાનો, નેતાઓને થોડા ચિંતામાં મૂકી દીધા છે. આ વચ્ચે સરકારી તંત્ર દ્વારા જિલ્લામાં મતદારો તેઓના મતાધિકારનો મહત્તમ અને યોગ્ય ઉપયોગ કરે તે માટે પણ સઘન ઝુંબેશ ચલાવવામાં આવી છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીણા, જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી અને ચૂંટણી અધિકારી તથા સ્ટાફ દ્વારા જિલ્લામાં આવતીકાલે રવિવારે યોજાનાર ચૂંટણી તથા મંગળવારે થનારા મતદાનમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબુત રીતે જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા મતદારો નિર્ભીક રીતે મતાધિકારનો ઉપયોગ કરી શકે, તે માટે તમામ જરૂરી પગલાઓ લેવામાં આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં વહીવટી તંત્ર-પોલીસ તંત્ર દ્વારા ચૂંટણી સંદર્ભે જરૂરી વ્યવસ્થા સાથે મતદાન મથકો મતદારો માટે સુરક્ષિત અને ભય રહિત બની એ માટે કોરોના સહિતની સરકારી ગાઈડ લાઈનની અમલવારી કરવામાં આવી છે. આવતીકાલે યોજાનારી ચૂંટણી માટે ગઈકાલથી જ જાહેર પ્રચારના પડઘમ શાંત બની ગયા છે. ચૂંટણી માટે હવે ઉમેદવારો સાથે તેમના ટેકેદારો તથા રાજકીય પક્ષોના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ડોર ટુ ડોર સંપર્ક તથા મતદારોને રીઝવવા માટે વિવિધ પ્રકારનાની “ખાસ જહેમત” ઉઠાવવામાં આવી રહી છે.
આવતીકાલે રવિવારે યોજાનાર મતદાન પૂર્વે આજરોજ શનિવારે ‘કતલની રાત’ હોવાથી દરેક ઉમેદવાર દ્વારા પોતાના તરફે મતદાન થાય તે માટે છેલ્લી ઘડી સુધીના મરણિયા પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ માટે મતદારોને રીઝવવા તથા મતદાન મથક સુધી લઈ આવવા સાથે મહત્તમ મતદાન થાય તે અર્થે ખાસ કરીને રાષ્ટ્રીય પક્ષો તથા કેટલાક અપક્ષોની જહેમત પણ ઉડીને આંખે વળગે તેવી બની રહી છે. આમ, આગામી પાંચ વર્ષના નિર્ણય માટે આજે મતદારો પોતે જાણે “એક દિન કા સુલતાન” હોય તેવો અનુભવ કરી રહ્યા છે.

2 માર્ચના રોજ મત ગણતરી

આવતીકાલે યોજાનાર જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીની મત ગણતરી તા. 2 માર્ચના રોજ હાથ ધરાશે. જામનગર (ગ્રામ્ય) તાલુકાની જિલ્લા તેમજ તાલુકા પંચાયતની સીટ માટે ઓશવાળ સેન્ટર, સાત રસ્તા પાસે, જામનગર તથા તાલુકા સંબંધિત તાલુકા કક્ષાએ નિયત કરેલ મત ગણતરી કેન્દ્ર ખાતે સવારે 9 વાગ્યાથી પ્રારંભ થશે. આ મત ગણતરીમાં કુલ 1080 કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત સિક્કા નગરપાલિકાની મત ગણતરી માટે ડીસીસી ટેકનિકલ હાઇસ્કૂલ, સિક્કા ખાતે મત ગણતરી યોજાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular