ગુજરાત વિધાનસભાની ચૂંટણીના 19 જીલ્લાની 89 બેઠકો માટે ગઇકાલે શાંતિપૂર્વક મતદાન યોજાયા બાદ હવે સો કોઇનું ધ્યાન સોમવારે 93 બેઠકો માટે યોજાનારા મતદાન ઉપર કેન્દ્રિત થયું છેે. આ તબક્કાના મતદાન માટે જાહેર પ્રચાર પડઘમ આવતીકાલે સાંજે પડદો પડી જશે એ પૂર્વે આજે અને કાલે જાહેર પ્રચારનું વાવાઝોડુ ફુંકાઇ રહ્યું છે. વડાપ્રધાન સહિત ટોચના નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. પ્રથમ તબક્કાની ચંટણીમાં અપેક્ષાથી ઓછુ મતદાન થતા બીજા તબક્કામાં મતદાનની ટકાવારી વધારવા અને પ્રથમ તબક્કામાં સંભવિત બેઠકોનું ગાબડુ પુરવા રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાડવાનો નિર્ધાર કર્યો છે. પ્રથમ તબક્કાની ચૂંટણીનું પોસ્ટમોર્ટમ અને મતદાનના લેખાજોખાના આધારે બીજા તબક્કા માટેની રણનીતિ તૈયાર થઇ રહી હોવાનું જાણવા મળે છે.
બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન રસપ્રદ રહેશે. રાજકીય પક્ષો કોઇ કસર નહી છોડે તેથી આ ચૂંટણી ઉપર સૌનું ધ્યાન કેન્દ્રિત થશે. મહાનગરો ભાજપના ગઢ ગણાય છે તેથી અહિં તે વધુ જોરથી લડશે એ નક્કી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુરૂવાર રાત્રે 93 બેઠકો પર બીજા તબક્કાના મતદાન પહેલા અમદાવાદમાં લગભગ 50 કિલોમીટરનો રોડ શો કર્યો હતો. આ તબક્કામાં જે મતવિસ્તારો માટે ચૂંટણી યોજાવાની છે તેમાં વડાપ્રધાન મોદી અને ગળહમંત્રી અમિત શાહના મતવિસ્તારનો પણ સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં ભાજપ માટે આ તબક્કો પ્રતિષ્ઠાની સાથે ચૂંટણીમાં પોતાની ધાર મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ બની રહેશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત જ્યાં તે છેલ્લી વખત કોંગ્રેસથી પાછળ રહી હતી. કોંગ્રેસ માટે પણ આ તબક્કો ઘણો મહત્વનો છે.
ભાજપે આ વખતે વડાપ્રધાનના રોડ શોને નવો આયામ આપ્યો છે. ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલેલા આ રોડ શોને ભાજપ દ્વારા ‘પ્રતિમાઓ પર પુષ્પાંજલિ’ કાર્યક્રમનું નામ આપવામાં આવ્યું હતું, જેમાં રસ્તામાં વિવિધ મહાપુરુષોની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પહેલા તબક્કાના મતદાન દરમિયાન જ ભાજપે આ મોટા કાર્યક્રમ દ્વારા 5 ડિસેમ્બરે બીજા તબક્કાની બેઠકો માટેની તૈયારીઓને સાફ કરી દીધી છે. આ તબક્કામાં 93 બેઠકોમાંથી ભાજપે 51 અને કોંગ્રેસે 39 બેઠકો જીતી છે. 27 વર્ષથી અભેદ રહેલા ગુજરાતના કિલ્લામાં કોઇ ગાબડું ન પડે તે માટે ભાજપાએ તેની તમામ તાકાત કામે લગાડી દીધી છે. ખુદ સેનાપતિ નરેન્દ્ર મોદી છેલ્લા 1 માસથી ગુજરાતનો મોરચો સંભાળીને બેઠા છે.