ગુજરાતમાં સૌથી વધુ 235 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતા એકમાત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ પ્રાચીન મંદિરો તેમજ ધર્મ સ્થળોમાં સૌથી વધુ મહાત્મય ધરાવતા કાળીયા ઠાકોરનું જગત મંદિર સમગ્ર વિશ્વમાં સુવિખ્યાત છે. સાથે સાથે અહીં બેટ દ્વારકાના ધાર્મિક સ્થળો, શિવરાજપુર બીચ, વિશાળકાય ઔધોગિક એકમોની સુરક્ષાથી લઇને દેશ વિરોધી તત્વોની ગેરકાયદેસરની પ્રવૃતિ ઉપર અંકુશ રાખવાની બાબત અતિ મહત્વની બની રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુદર્શન સેતુના લોકાર્પણ દરમિયાન તાજેતરમાં તેમની અહીંની મુલાકાતના કારણે ભવિષ્યમાં આ વિસ્તારનો સર્વાંગી વિકાસ થવાની પુરી સંભાવના છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા સહિતની બાબતે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દરેક પ્રકારે આવતા પડકારોને સરળતાથી પહોંચી વળવા માટે એક મહત્વનું પગલું ભર્યું છે.
આધુનિક સમયમાં સક્રિય અને જાગૃત પોલીસને જરૂરી અત્યારે પ્રકારની તાલીમ મળી રહે તે માટે રાજકોટ રેન્જ આઇ.જી. તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાના સંયુકત પ્રયાસોથી વિશાળકાય આંતરરાષ્ટ્રીય કંપની નયારા એનર્જીના સહયોગથી પ્રોજેક્ટ એક્સેલ હેઠળ દેવભૂમિ દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીશ પોલીસ ટ્રેનિંગ સેન્ટરનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે થનાર તમામ પડકારોનો સામનો કરવાના હેતુથી આ જિલ્લામાં પોલીસ જવાનો અધતન અને વધુ કાર્યક્ષમ હોવા પણ એટલા જ મહત્વના છે. જેથી આધુનિક પરીસ્થિતિ તથા ગુનાહિત પ્રવૃતિને ધ્યાને લેતા પોલીસ જવાનો પણ એલર્ટ રહી બિલકુલ સરળતાથી દરેક કાયદાકીય મુશ્કેલીનો સામનો કરી શકે તે રીતે તૈયાર હોવા જરૂરી છે.
આ માટે રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ અને દ્વારકા જિલ્લાના પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા રાજ્યના ગૃહ વિભાગ સાથે સંકલન કરી અને દ્વારકા જિલ્લા પોલીસને આપવાની થતી તાલીમ બાબતથી માહિતગાર કરતા રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તેને ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે મંજૂરી આપવામાં આવી હતી.
આ પછી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને અપડેટ કરવાના પ્રયત્નના ભાગરૂપે તત્કાલીન પોલીસ અધિક્ષક સુનીલ જોશી અને ડી.વાય.એસ.પી. સમીર સારડાએ દૂરંદેશી અભિગમ દાખવીને દ્વારકાના હાથી ગેટ નજીક હાઈ વે ઉપર 20,000 ચોરસ મીટર જગ્યા પસંદ કરીને તત્કાલીન કલેકટરના હુકમથી સરકારમાંથી મેળવવાની કવાયત કરી હતી. આ જગ્યા ઉપર નયારા એનર્જી કંપનીના સહયોગથી સોમવારે દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીશ પોલીસ ટ્રેનિંગ કેન્દ્રના નામથી એક ફલોરમાં બિલ્ડીંગનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આનાથી ભવિષ્યમાં જિલ્લા પોલીસ ઉપરાંત સ્થાનિક રહીશોમાં સમયાંતરે સ્પેશિલાઇઝેશન ટ્રેનિંગ આપી અપડેટેશન લાવવા માટે અનેક પ્રકારની તાલીમ આપવામાં આવશે. જેથી જિલ્લા પોલીસ વધુ કાર્યકુશળ બનીને ગમે તેવી કપરી પરિસ્થિતિનો સામનો કરી શકે તે રીતેની સજ્જ બનવામાં આ તાલીમ કેન્દ્ર સહાયક બની રહેશે. આ ઉપરાંત પોલીસ અને લોકો સાથેનું એકબીજા પ્રત્યે સમન્વય પણ વધશે અને તેનાથી ઘણી બાબતો ઉપર જિલ્લા પોલીસના વર્તન, કામગીરી, કૌશલ્ય, આવડત, ટેકનોલોજી વિગેરે બાબતોમાં નોંધપાત્ર સુધારો અને અપડેટેશન પણ આવશે તે બાબત નિશ્ર્ચિત મનાય છે.