ખંભાળિયા તાલુકાના જાકસિયા ગામની સીમમાં ગત સાંજે એક વિદ્યાર્થી યુવાન તથા સ્થાનિક શખ્સ દ્વારા ચલાવાતા જુગારના અખાડામાં જામનગરથી મોટરકાર મારફતે આવેલ પત્તાપ્રેમીઓના રંગમાં પોલીસે ભંગ પાડી, સાત શખ્સોને દબોચી લીધા હતા. જ્યારે જામનગરની બે મહિલાઓ તથા અડ્ડાનો એક સંચાલક ફરાર થઈ જવામાં સફળ થયા હતા. આ દરોડામાં પોલીસે સાડા નવ લાખની કિંમતની ત્રણ મોટરકાર, બાઈક તથા રોકડ અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 11.42 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયાથી આશરે ત્રીસ કિલોમીટર દૂર જાકસીયા ગામે આવેલી એક સીમ વિસ્તારમાં નાના આસોટા ગામના રહીશ અને અભ્યાસ કરતા એક વિદ્યાર્થી યુવાન કમલેશ રામદેભાઈ સંધીયા નામના 23 વર્ષીય ગઢવી યુવાન સાથે જાકસીયા ગામના મોહન બાબુદાસ કુબાવત નામના શખ્સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે એક વાડીના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી, જુગારધામમાં સુવિધાઓ પુરી પાડી, અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી ચલાવતા જુગારના અડ્ડા પર ગત મોડી સાંજે પોલીસ અધિકારી સાથેનીખાસ ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.
આ સ્થળે ગંજીપતા તીનપતીનો જુગાર રમી રહેલા કમલેશ રામદે સંધીયા, યુસુફ આમદ ખેરાણી (ઉ.વ.42, રહે. જામનગર), સંજય ભિખારામ ગોંડલીયા (ઉ.વ. 21, રહે. ભાડથર), યુસુબ હુશેન સમા (ઉ.વ. 31, રહે. જામનગર), રાયશી ભીખા બૈડીયાવદરા (ઉ.વ. 33, રહે. જામનગર), નરેશ ડાયાલાલ રામાવત (ઉ.વ. 40, રહે. નાના આસોટા) અને રામદે પીઠાભાઈ ખુંટી (ઉ.વ. 41, રહે. નાના આસોટા), નામના સાત શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે જુગારના અડ્ડામાંથી રૂા. 1,48,600 રોકડા, રૂ. સાડા નવ લાખની કિંમતની જુદી જુદી ત્રણ મોટરકાર, રૂા. 15 હજારની કિંમતની એક મોટરસાયકલ, ઉપરાંત 28 હજારની કિંમતના છ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂા. 11,41,600 મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડાની કાર્યવાહી દરમ્યાન મોહન બાબુદાસ કુબાવત ઉપરાંત જામનગરના બે મહિલા ફરાર થઈ ગયા હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.