જામનગરમાં ચાઇનીઝ દોરીના વેંચાણ-વપરાશ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ હોય આ જાહેરનામા અનુસંધાને જામજોધપુર પોલીસે જકાતનાકા પાસેથી એક શખ્સને રૂા.3000 ની કિંમતના ચાઇનીઝ દોરા સાથે ઝડપી લીધો હતો. તેમજ આ જ વિસ્તારમાંથી અન્ય એક શખ્સને એક નંગ ચાઇનીઝ દોરા સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. કાલાવડ પોલીસે કાલાવડ વિસ્તારમાંથી એક શખ્સને રૂા.2000 ની કિંમતની પ્લાસ્ટિક દોરી, માંજા સાથે ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેર-જિલ્લામાં ચાઇનીઝ દોરીના વેંચાણ-વપરાશ ઉપર કલેકટર દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમલમાં હોય પોલીસ દ્વારા શહેર-જિલ્લામાં ઉત્તરાયણના તહેવારને ધ્યાને લઇ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન જામજોધપુરના જકાતનાકા પાસે આવેલ દરણા દરવાની દુકાન પાસેથી જામજોધપુર પોલીસે મયુર ધીરુ મકવાણા નામના શખ્સને રૂા.3000 ની કિંમતના પ્રતિબંધિત કાચથી પાયેલ બે નંગ દોરાના દડા માંજા સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો,જામજોધપુરના જકાતનાકા પાસેથી મુકેશ સીદીક સોલંકી નામના શખ્સે પ્રતિબંધિત કાચથી પાયેલ એક નંગ દોરા માંજાને વેંચાણ અર્થે રાખેલ હોય જામજોધપુર પોલીસે જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરી હતી. ત્રીજો દરોડો, કાલાવડ તાલુકાના શિતલા કોલોનીમાં આવેલા બાપાસીતારામની મઢુલી સામે લલીત બટુક સોલંકીના પતંગના સીઝન સ્ટોર ખાતેથી પોલીસે ચેકિંગ દરમિયાન રૂા.2000 ની કિંમતના પતંગ ઉડાવવા માટેના ચાર નંગ નાયલોન (પ્લાસ્ટિક)ના દોરા/માંજા/ચરખી વેંચાણ અર્થે રાખ્યા હોય જાહેરનામા ભંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.