દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં આવેલા રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દ્વારકા પોલીસે રેઇડ દરમ્યાન આઠ શખ્સને કુલ રૂા. 1,31,150ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ દ્વારકા જિલ્લાના ઓખામંડળના મીઠાપુર વિસ્તારમાં ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ દ્વારકા ડિવિઝનના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન મીઠાપુર વિસ્તારમાં હેડ કોન્સ્ટેબલ ખીમાણંદભાઈ આંબલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે દેવપરા ગામે રહેતા ધનજી સાંગણ ધોળા નામના 50 વર્ષના ચારણ માલધારી આધેડના રહેણાંક મકાનમાં જુગાર દરોડો પાડવામાં આવ્યો હતો. આ શખ્સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે ચલાવાતા જુગારના અખાડામાંથી પોલીસે ધનજી સાંગણ ચારણ માલધારી, રામદેવ દાના સુમેત, ભગા દેવદાન ધોડા ચારણ, સિધ્ધરાજ પુના સુમેત, મહિયા બલુ સુમેત, નાગા વાલેરા સુમેત, લખીયા ઘેલા ધોળા ચારણ અને દિલરાજ જેમરાજ સુમેત નામના આઠ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.
પોલીસે રેઇડ દરમ્યાન શખ્સો પાસેથી રૂપિયા 1,00,650 રોકડા તેમજ રૂ. 30,500 ની કિંમતના 7 નંગ મોબાઈલ ફોન સહિત, કુલ રૂપિયા 1,31,150નો મુદ્દામાલ કબજે કરી, આ અંગે મીઠાપુર પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે.


