ખંભાળિયા તાલુકાના સલાયા ગામે સ્થાનિક પી.આઈ. અક્ષય પટેલ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવેલી જુગાર અંગેની કાર્યવાહી દરમિયાન રાત્રીના આશરે સવા ત્રણ વાગ્યે જકાતનાકા વિસ્તારમાં રહેતો સલીમ કરીમ ભગાડ નામના શખ્સે પોતાના કબજા ભોગવટાના રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી અને નાલ ઉઘરાવીને ચલાવતા જુગારના અખાડામાં પોલીસે દરોડો પાડયો હતો.
આ સ્થળેથી ઝહીર સાલેમામદ ભગાડ અને હુસેન ઈબ્રાહીમ રાજાણી નામના બે શખ્સો ઝડપાઈ ગયા હતા. આ દરોડામાં પોલીસે રૂા. 11,830 રોકડા તથા રૂપિયા 10,500 ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂા. 22,330 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસની આ કાર્યવાહી દરમિયાન સલીમ કરીમ ભગાડને ચક્કર આવી જતાં તેને મૂર્છિત હાલતમાં પોલીસ સ્ટાફ સાથે સલાયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. આ સમગ્ર બનાવની નોંધ સલાયા મરીન પોલીસ મથકમાં જુગારધારાની કલમ મુજબ કરવામાં આવી છે.