ખંભાળિયા તાલુકાના ગોલણ શેરડી ગામે સ્થાનિક પોલીસે ચોક્કસ બાતમીના આધારે જુગાર દરોડો પાડી, ધમધમતા અખાડામાં આઠ શખ્સોને ઝડપી લઈ, કુલ રૂપિયા બે લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ખંભાળિયાથી આશરે 23 કિલોમીટર દૂર તાલુકાના ગોલણ શેરડી ગામે સ્થાનિક પોલીસે રાત્રિના સમયે દરોડો પાડી, આ જ ગામના રહીશ હદુ નથુ રૂડાચ નામના 60 વર્ષના ગઢવી વૃધ્ધ દ્વારા મઝલા સીમ વિસ્તારમાં આવેલી પોતાની વાડીના મકાનમાં બહારથી માણસો એકત્ર કરી, અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને ચલાવાતા જુગારના અખાડા દરોડાની કાર્યવાહી કરી હતી.
આ સ્થળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા હદુ નથુ રૂદાચ, રણમલ જીવણ જામ (રહે. માડી), રમેશ લખમણ ગાગલિયા (રહે. રાવલ), પરબત રણમલ મોઢવાડિયા (રહે. રાવલ), નાગાજણ સામત મુન (રહે. કોટડીયા), રાજા પબા ડેર (રહે. મોટી ખોખરી), નંગા ગીગાભાઈ ગોરાણીયા (રહે. રાવલ) અને પાલા સીદાભાઈ રૂડાચ (રહે. ભારા બેરાજા) નામના કુલ આઠ શખ્સોને દબોચી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી કુલ રૂા.57,950 રોકડા તથા રૂ. સતર હજારની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂા. 1.25 લાખની કિંમતની પાંચ મોટરસાયકલ મળી કુલ રૂા. 1,99,950 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.