પોલીસ અધિકારીઓ અને સત્તાધારી દળો વચ્ચે સાઠગાંઠ ઉપર સુપ્રીમ કોર્ટે ઘેરી ચિંતા પ્રગટ કરી છે. દેશનાં પ્રમુખ ન્યાયધીશ (સીજેઆઈ) એન.વી.રમન્નાએ કહ્યું હતું કે, દેશમાં આ પ્રવાહ પરેશાન કરનારો છે. પોલીસ અધિકારીઓ સત્તાધારીઓનો પક્ષપાત કરે છે અને તેમનાં વિરોધીઓ સામે કાર્યવાહી કરે છે. પછી જ્યારે વિરોધીઓ સત્તામાં આવે ત્યારે પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીનો દૌર શરૂ થાય છે. આ સંજોગોમાં પોલીસ વિભાગને જ જવાબદાર ઠરાવવો જોઈએ. કારણ કે તેમણે કાયદાનાં ક્ષેત્રમાં રહીને કામ કરવું જોઈએ.
સુપ્રીમ કોર્ટે છત્તીસગઢનાં સસ્પેન્ડેડ આઈપીએસ અધિકારી ગુરજિંદર પાલ સિંહની અરજી ઉપર સુનાવણી કરતાં પોલીસને ઝાટકતી ટિપ્પણીઓ કરી હતી. હાલ ગુરજિંદર પાલને રાહત આપતાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે, પોલીસ તેની ચાર સપ્તાહ સુધી રાજદ્રોહ કે આવકથી અધિક સંપત્તિનાં કેસમાં ધરપકડ કરી શકશે નહીં. આ સંબંધમાં રાજ્ય સરકારને નોટિસ પણ જારી કરવામાં આવી છે અને અધિકારીને તપાસમાં સહયોગ કરવાનો નિર્દેશ પણ અપાયો છે.
ઉલ્લેખનીય છે કે, આઈપીએ અધિકારી પાલ ખિલાફ રાજદ્રોહ અને અપ્રમાણસરની મિલકતોનાં કેસ દાખલ થયેલા છે. જેનાં વિરુદ્ધ પાલે અરજી કરીને રાજદ્રોહનો કેસ રદ કરવાની માગણી કરી હતી. જ્યારે બીજા કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માગણી પણ તેમણે કરી છે. આ દરમિયાન અધિકારી તરફથી અદાલતમાં પેશ થયેલા ફલી નરિમાને અદાલતને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કિન્નાખોરી રાખીને કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે.