દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સુચના મુજબ તેમજ ખંભાળિયાના ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વર્ષ 2023 માં જિલ્લા ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. એન.ડી. કલોતરા તથા ટ્રાફિક પોલીસ સ્ટાફ દ્વારા દ્વારકા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતા કુલ 13,603 વાહન ચાલકોને સમાધાન શુલ્ક પાવતી તથા અન્ય ખામીવાળા વાહનો એમ.વી. એક્ટ 207 મુજબ 1,017 વાહનો ડિટેઇન કરીને કુલ રૂપિયા 1,05,67651 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત જિલ્લામાં કેફી પીણું પીને વાહન ચલાવતા શખ્સો વિરુદ્ધ એમ.વી. એક્ટ 185 વિગેરે મુજબ કુલ 85 કેસ, ભયજનક વાહન ચલાવતા 60 શખ્સો સામે તથા અડચણરૂપ પાર્ક કરતા વાહન ચાલકો તથા લારી ગલા સામે કલમ 283 મુજબ 160 કેસ નોંધવામાં આવ્યા છે.
આ ઉપરાંત જાહેરનામા ભંગના 26 કેસ, પ્રોહીબિશનના 11 કેસ, હથિયારબંધીના 2 કેસ વિગેરે મુજબ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં ગુના નોંધવામાં આવ્યા છે. દ્વારકા જિલ્લામાં જાહેર જનતાને ટ્રાફિક નિયમોનું ઉલંઘન કરીને દંડ ભરવા કરતા ટ્રાફિક નિયમોનું પાલન કરવા જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.