દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં ગત તારીખ 26 માર્ચના રોજ 14 શખ્સો દ્વારા વરવાળાના 34 વર્ષીય યુવાન સહિતના પરિવારજનો ઉપર ગેરકાયદેસર રીતે મંડળી રચી, જીવલેણ હુમલો કરીને મારી નાખવાનો પ્રયાસ કરવા સબબ નોંધાયેલી પોલીસ ફરિયાદમાં તપાસ દરમિયાન આરોપી દ્વારા પોલીસને ગેરમાર્ગે દોરી અને ખોટી રીતે પોલીસ સમક્ષ જાહેરાત લખાવવામાં આવી હોવાની વધુ એક ફરિયાદ અગાઉના પ્રકરણના ફરિયાદી સામે દ્વારકા પોલીસે નોંધાવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકાના પી.એસ.આઈ. આર.એચ. સુવા દ્વારા વરવાળા ખાતે રહેતા જુમા ઉર્ફે ડાડો ઈશાભાઈ ઢોકી (ઉ.વ. 34) અને સલમાબેન લાખાભાઈ ઢોકી (ઉ.વ. 40) સામે દ્વારકા પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી જુમા ઉર્ફે ડાડો ઢોકીએ ગત તારીખ 26 માર્ચના રોજ તેમના પર થયેલા જીવલેણ હુમલા અંગેના બનાવમાં ઈજા પામનાર આરોપી સલમાબેન લાખાભાઈ આ બનાવ વખતે હાજર ન હતા. આટલું જ નહીં, તેણી પોતાના ઘરે હતા તેમ છતાં પણ આરોપી દ્વારા પૂર્વયોજિત કાવતરું રચી અને તપાસનીસ અધિકારી પી.એસ.આઈ. રાજેશભાઈ સુવા સમક્ષ આરોપી જુમા ઉર્ફે ડાડો ઢોકીએ તે સમયે જાહેરાત કરતા લખાવ્યું હતું કે આ પ્રકરણમાં કુલ 14 આરોપીઓએ સલમાબેનના માથામાં જીવલેણ ઈજાઓ કરી હતી. આમ, ખરેખર હુમલાના કારણે સલમાબેનને ઇજાઓ ન કરાયા છતાં અગાઉના ઝઘડાનો ખાર રાખી અને આ અંગેના બદઇરાદાથી જે-તે સમયના આરોપીઓને નુકસાન પહોંચાડવાના ઇરાદે તેમજ આ ગુનામાં આજીવન કેદ સુધીની સજા થવા અંગેના ગુનામાં સંડોવી દેવા માટે તપાસનીસ અધિકારી સમક્ષ સાહેદો ઉપર રાગદ્વેષ રાખી, અને ખોટી જાહેરાત લખાવવામાં આવી હોવાનું આ ફરિયાદમાં જાહેર થયું છે.
આ રીતે આરોપી જુમા ઉર્ફે ડાડો ઈશાભાઈ ઢોકી અને સલમાબેન લાખાભાઈ ઢોકી દ્વારા પૂર્વયોજિત કાવતરામાં પોલીસ સમક્ષ ખોટી જાહેરાત લખાવીને ગુનો આચરવામાં આવતા આ પ્રકરણ અંગે બંને સામે પોલીસે આઈ.પી.સી. કલમ 211, 182, 120 (બી) તથા 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જે પ્રકરણની તપાસ પણ દ્વારકાના પી.એસ.આઈ. આર.એચ. સુવા ચલાવી રહ્યા છે.