જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં વિવેકાનંદ સોસાયટીમાં રહેતાં યુવાને તેની કુરિયર સર્વિસની નોકરી દરમિયાન હિસાબમાં થયેલી ભૂલની એક લાખની રકમ ભરપાઈ કરવા માટે 10 ટકા વ્યાજે લીધેલી રકમના 30 લાખ ચૂકવી દીધા હોવા છતાં બે વ્યાજખોરોને વધુ સાત લાખ રૂપિયા ચૂકવ્યા હતાં તેમ છતાં વ્યાજખોરો દ્વારા ચાર લાખની ઉઘરાણી કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં વ્યાજખોરો ત્રાસ સતત રહે છે. હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરી ડામવા શરૂ કરાયેલી રાજ્યવ્યાપી ઝૂંબેશમાં વ્યાપક ફરિયાદો નોંધાઇ હતી અને ધરપકડ કરવામાં આવી હતી. તેમ છતાં વ્યાજખોરો બેખોફ રહ્યા છે. જેમાં જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં ભીમવાસ વિવેકાનંદ સોસાયટીમાં રહેતાં જતિનભાઈ વારસુર નામનો યુવાન કુરીયર સર્વિસમાં નોકરી કરતો હતો તે દરમિયાન હિસાબમાં આવેલી ભુલના રૂિ5યા 1 લાખ કુરિયર સર્વિસમાં ભરપાઈ કરવા માટે ઋતુરાજસિંહ જાડેજા પાસેથી ફેબ્રુઆરી 2021 માં દરરોજના 10 ટકા વ્યાજ લેખે એક લાખની રકમ લીધી હતી. આ રકમ પેટે જતિન નિયમિત વ્યાજ આપતો હતો. તેમ છતાં વ્યાજખોરે ધાકધમકી આપી એચડીએફસી બેંકનો સહીવાળો કોરો ચેક તથા જતિનના મિત્ર ગોપાલભાઈના સેન્ટ્રલ બેંકના એકાઉન્ટના સહીવાળા બે કોરાચેક કઢાવી લીધા હતાં. ઉપરાંત જતિને અત્યાર સુધીમાં વ્યાજપેટે રૂા.30 લાખ જેટલી માતબર રકમ ગુગલ પે અને રોકડથી ચુકવી દીધી હતી.
એક લાખની રકમ પેટે રૂા.30 લાખ ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર દ્વારા વધુ રૂા. 8 લાખની ઉઘરાણી કરતા હતાં. જેથી જતિનભાઈએ આદિત્યસિંહ જાડેજા પાસેથી તેની પત્નીના 20 તોલાના સોનાના દાગીના ગીરવે મૂકી રૂા.6,30,000 માસિક 3.50 ટકા લેખે લીધા હતાં. જે રકમના વ્યાજ પેટે રૂા.7 લાખની રકમ ગુગલ પે અને રોકડ દ્વારા ચૂકવી દીધી હોવા છતાં વધુ ચાર લાખની ઉઘરાણી કરી પતાવી દેવાની ધમકી આપી હતી. બે વ્યાજખોરો દ્વારા વધુ રકમની ઉઘરાણી કરાતા યુવાન જતીને આખરે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ બી. બી. કોડીયાતર તથા સ્ટાફે બે વ્યાજખોર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


