જામનગર શહેરના બેડી બંદર રોડ પર આવેલા શ્રીજી સન્મુખ એપાર્ટમેન્ટમાં આવેલી રેસ્ટોરન્ટમાં કામ કરતા 14 વર્ષથી ઓછી ઉમરના શ્રમયોગીને મદદનીશ શ્રમ આયુકત કચેરીના અધિકારી દ્વારા મુકત કરાવી રેસ્ટોરન્ટ માલિક વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના બેડી બંદર પર આવેલા શ્રીજી સન્મુખ એપાર્ટમેન્ટમાં આવેલા શોપ નં. 1 અને 2 માં ચાલતી જીજે 10 બીસ્ત્રો નામની રેસ્ટોરન્ટમાં 14 વર્ષથી ઓછી ઉંમરના બાળક પાસે મજૂરી કામ કરાવતા હોવાની જાણના આધારે શ્રમ અધિકારી ડી.ડી.રામી તથા ઔદ્યોેગિક સલામતિ નાયબ નિયામક એચ.બી. ગઢવી, સમાજ સુરક્ષા અધિકારી જે.આર. હરણ, રોજગાર કચેરી મદદનીશ નિયામક આર.એસ. ડાંગર તથા પોલીસે રેઈડ દરમિયાન રેસ્ટોરન્ટમાં કામ કરતા 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકને મુકત કરાવી જિલ્લા બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી દેવામાં આવ્યો હતો અને રેસ્ટોરન્ટના માલિક ઋષભ શાહ વિરુધ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.