અમદાવાદમાં મુસ્લિમ યુવક સાથે લગ્ન કરનારી હિન્દુ યુવતીને સૂર્યાસ્ત પછી પોલીસ સ્ટેશને બોલાવી તેની પૂછપરછ કરી રાત્રે ત્રણ વાગ્યે યુવતીને સ્ટેશન બહાર જવા દેવા બદલ કારંજના પોલીસ ઇન્સપેક્ટરે હાઇકોર્ટની બિનશરતી માફી માગી છે. આ ઘટનાને ટાંકી હાઇકોર્ટે રાજ્ય સરકારને સૂચના આપી છે કે ટ્રેનિંગ એકેડેમીમાં તાલીમ લઇ રહેલા પોલીસ અધિકારીઓને તટસ્થતા અને પક્ષપાત વગરના વલણથી કાર્યવાહી કરવાની તાલીમ આપવામાં આવે.
આ યુવતી અત્યારે પોલીસ કોન્સ્ટેબલની તાલીમ લઇ રહી છે. લગ્ન માટે નોંધણી કરાવ્યા બાદ આ યુવતી ગાયબ થઇ છે. હાઇકોર્ટે જરૂરી આદેશો આપતા બહાર આવ્યું હતું કે યુવતીએ જૂનાગઢની પોલીસ એકેડેમીમાં ટ્રાન્સફર લીધી છે અને ત્યાં ફોન રાખવાની પરવાનગી નથી. આ ઉપરાંત યુવતીએ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે કારંજના પી.આઇ.એ તેને નિવેદન લેવા માટે સૂર્યાસ્ત પછી બોલાવી હતી અને રાત્રે ત્રણ વાગ્યે તેની પૂછપરછ પૂર્ણ કરી તેને બહાર જવા દેવામાં આવી હતી. આ અંગે હાઇકોર્ટે પી.આઇ.ની સ્પષ્ટતા માગી હતી.
પી.આઇ.એ હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે યુવતીની માતાએ પોલીસ સ્ટેશને આવીને ખૂબ દુ:ખ સાથે તેની વ્યથા કહી હતી. જેથી લાગણીવશ થઇ તેણે યુવતીને બોલાવી હતી. તેમના તરફથી આવી ફરિયાદ કોર્ટ સમક્ષ નહીં આવે તેમ કહી તેમણે બિનશરતી માફી માગતા કોર્ટે હેબિયસ કોર્પસની રિટનો નિકાલ કર્યો છે. આ ઉપરાંત રાજ્ય સરકારને સૂચના આપી છે કે પોલીસ અધિકારીઓ તેમની કામગીરીમાં તટસ્થતા અને નિષ્પક્ષતા દાખવે તે માટેે જરૂરી તાલીમ એકેડેમીમાં આપવામાં આવે.