દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઈન્ચાર્જ એસ.પી. એમ.એમ. પરમારના માર્ગદર્શન એલસીબી પોલીસ દ્વારા બુધવારે હાથ વધારવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી. વિભાગના હેડ કોન્સ્ટેબલ ડાડુભાઈ જોગલને મળેલી બાતમીના આધારે ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર ભાટીયા તથા કુરંગા ગામ વચ્ચેથી પસાર થતા જુદા જુદા ત્રણ ડમ્પર ટ્રકને અટકાવી, ચેકિંગ કરવામાં આવતા આ ડમ્પર ટ્રકમાં બોક્સાઈટ નામનું ખનીજ હોવાનું ખુલવા પામ્યું હતું.
આ બોક્સાઈટ અંગે રોયલ્ટી – પાસનું ચેકિંગ તથા ડ્રાઇવરોની પૂછપરછ કરવામાં આવતા ડમ્પરમાં રહેલું બોકસાઈટ રોયલ્ટી પાસ વાળી જગ્યાએથી ભરવામાં ન આવ્યું હોવાનું ખુલવા પામ્યું હતું. આથી પોલીસે અનધિકૃત બોકસાઈટનું વહન કરવા સબબ રૂપિયા 20-20 લાખની કિંમતના મુદ્દામાલ સાથેના જી.જે. 10 ટી.વી. 5457, જી.જે. 37 ટી. 6738 તથા જી.જે. 37 ટી. 88 હ38 નંબરના કુલ ત્રણ ડમ્પર કબજે લીધા છે. આ અંગેની જાણ દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાણ ખનીજ વિભાગને પણ કરવામાં આવી છે. જેના દ્વારા અંગે જરૂરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલ, એ.એસ.આઈ. અરજણભાઈ મારુ, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, દિનેશભાઈ માડમ, ગોવિંદભાઈ કરમુર, વિગેરે દ્વારા કરવામાં આવી હતી. એલસીબી પોલીસની આ કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાની લાગણી પ્રસરી જવા પામી છે.