જામનગર શહેરના રામેશ્વરનગર નંદનવન પાર્કમાં રહેતા યુવાને તેના ઘર પાસે પાણીના નિકાલ માટે સરેટો કર્યો હતો. જે બાબતે બાજુમાં રહેતા ચાર શખ્સોએ યુવાન સાથે બોલાચાલી લોખંડના પાઈપ અને છરી વડે હુમલો કર્યો હતો. હુમલાના બનાવમાં પોલીસે બાજુમાં રહેતાં પિતા અને ત્રણ પુત્રો સહિત ચાર શખ્સો વિરૂધ્ધ ઘરમાં ઘુસી પિતા-પુત્રને માર માર્યાનો ગુનો નોંધી હુમલાખોરોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રામેશ્વરનગરમાં આવેલા નંદનવન પાર્ક 2 શેરી નં.1 માં રહેતા ભકિતરાજસિંહ સોઢા નામના યુવાને તેના ઘરની આગળ પાણીના નિકાલ માટે સરેટો બનાવ્યો હતો. આ સરેટોના કારણે બાજુમાં રહેતા દિપક ધોબીના ઘર પાસે નિકાલ થયું પાણી જમા થશે. જેથી દિપક ધોબી, હાર્દિક દિપક ધોબી, કરણ દિપક ધોબી, હિમેશ દિપક ધોબી નામના પિતા અને ત્રણ પુત્રો સહિત ચાર શખ્સોએ બુધવારે સાંજે ભકિતરાજસિંહના ઘરમાં ઘુસી બોલાચાલી કરી અપશબ્દો લખી લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો તેમજ છરીના ઘા ઝીંકયા હતાં. ચાર શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં ભકિતરાજસિંહને બચાવવા વચ્ચે પડેલા તેમના પિતા જીલુભા ઉપર પણ લોખંડના પાઈપ વડે હુમલો કરતા માથામાં અને હાથમાં ઈજા પહોંચી હતી.
ત્યારબાદ ઈજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ એમ.આર. વાળા તથા સ્ટાફે ભકિતરાજસિંહના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ ઘરમાં ઘુસી હુમલો કર્યાના ગુનો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામનગરમાં પાણીના નિકાલ સંદર્ભે પિતા-પુત્ર ઉપર પાઈપ વડે હુમલો
રામેશ્વરનગરમાં ઘર પાસે પાણી જમા થવાની બાબતે બોલાચાલી: ચાર શખ્સોએ લોખંડના પાઈપ વડે માર માર્યો : ઘવાયેલા પિતાપુત્ર સારવારમાં : પોલીસ દ્વારા કાર્યવાહી