હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા વન રેન્ક, વન પેન્શન-ર અંતર્ગત ઓઆરએસ અને જેસીઓ પેન્શનમાં વિસંગતતા અંગે જામનગર જિલ્લા કલેકટર મારફત વડાપ્રધાનને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
આવેદન પત્રમાં જણાવ્યું છે કે, વન રેન્ક, વન પેન્શન-ર અંતર્ગત ઓઆરએસ સિપાહથી હવાલદાર અને જેસીઓ તેમજ નાયબ સુબેદારથી સુબેદાર મેજર સુધીના પેન્શનમાં વિસંગતતાઓ છે. વન રેન્ક, વન પેન્શન નો સાચો લાભ 30 લાખ માજી સૈનિકોને મળે તે માટે દિલ્હીમાં વિવિધ રાજયોના માજી સૈનિકો ધરણાં ઉપર બેઠા છે. આથી વન રેન્ક, વન પેન્શન-રની વિસંગતતાઓ દૂર કરવા માંગણી કરાય છે. તેમજ વન રેન્ક, વન પેન્શન-રની કમિટીની રચના કરવામાં આવી છે. તેમાં પણ ઓફિસર્સને વધુ ફાયદો થયો તેવું જણાય છે આથી આ વિસંગતતાઓ દૂર કરવા આ કમિટીમાં એક ઓઆરએસ અને જેસીઓને સામેલ રાખી કમિટી બનાવવાની માંગ સાથે હાલાર જિલ્લા માસજી સૈનિક મંડળ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું. હાલાર જિલ્લા માજી સૈનિકના મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા, દલપતસિંહ પરમાર, શશીભાઇ પટેલ, ગુલાબભાઇ ઉનડકટ તથા મંગળસિંહ તેમજ માજી સૈનિકો દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું.