‘મોરના ઈંડા ચીતરવા ન પડે’ એ કહેવત જામનગરના જેઠવા પરિવારના પાર્થ જેઠવાએ પણ સાબિત કરી છે. જામનગરમાં 25 વર્ષ સુધી કોર્પોરેટર તરીકેની બખૂબી રીતે જવાબદારી સંભાળનાર અને બે વખત મેયર પદ શોભાવનાર હસમુખભાઈ જેઠવાના પુત્ર પાર્થ જેઠવા તાજેતરમાં યોજાયેલ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.10 માંથી ભારતીય જનતા પાર્ટીની બેઠક પરથી વિજેતા થયો છે. આ નવનિયુકત જનસેવકે ‘ખબર ગુજરાત’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
જામનગરમાં છેલ્લાં આઠ વર્ષ જેટલા સમયથી ભારતી જનતા પાર્ટીના યુવા મોરચામાં સક્રિય કાર્યકર તરીકે રહી ચૂકેલા તેમજ વોર્ડ નં.10 ના યુવા મોરચા ભાજપા પ્રમુખ સહિતની અનેકવિધ જવાબદારી સંભાળી ચૂકેલા પાર્થ જેઠવા જામનગર મહાનગરપાલિકાની આ વર્ષે યોજાયેલી ચૂંટણીમાં ભાજપા દ્વારા તેમને ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ વિજેતા થયા હતાં. એલએલબી તેમજ સિવિલ ડિપ્લોમા એન્જીનિયરીંગ સુધીનો અભ્યાસ કરી ચૂકેલા પાર્થ જનસેવાના આશય સાથે ચૂંટણી લડયા અને વિજેતા થયા હતાં. તેઓ હાલમાં શહેર ભાજપાના આમંત્રિત કારોબારી સભ્ય તરીકે પણ જવાબદારી સંભાળી રહયા છે. તેમજ પ્રગતિશીલ યુવક મંડળમાં કાર્યકર્તા તરીકે સામાજિક તથા સાંસ્કૃતિક અને રચનાત્મક કાર્યક્રમો થકી લોકો માટે અનેકવિધ કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ પણ કરી રહ્યા છે. આરએસએસની વિચારધારા સાથે સંકળાયેલ પાર્થ ક્રિકેટનો શોખ પણ ધરાવે છે તેમજ એથ્લેટિકસ તથા રિડીંગનો પણ શોખ ધરાવે છે.
જામનગરના વોર્ડ નં.10 ના યુવા કોર્પોરેટર દ્વારા પ્રજાએ મુકેલા ભરોસાને સાર્થક કરવા સતત લોકો વચ્ચે રહી લોકોના કામોની સેવાનું બિડુ ઝડપ્યું છે. કોર્પોરેટર તરીકે ચૂંટાયા બાદ લોકોની મુખ્ય સમસ્યા જેવી કે રોડ-રસ્તા-લાઈટ-પાણી માટે તેઓ સતત જાગૃત્ત રહે છે. આ ઉપરાંત વોર્ડ નં.10ના વિસ્તારોમાં ચાલતા વિકાસ કામોમાં પણ જાગૃત્તિ દાખવે છે.
વિસ્તારમાં ચાલતા વિકાસ કામો યોગ્ય રીતે થાય તે માટે સખ્ત દેખરેખ રાખી યોગ્ય માર્ગદર્શન પૂરુ પાડતા રહ્યાં છે. જેથી લોકોને પૂરતી સુવિધા પણ મળી રહે અને આ વિસ્તારના વિકાસ કાર્યો પણ યોગ્ય રીતે અને ચોક્કસાઈ પૂર્વક થઈ શકે.
તેમના પિતા હસમુખભાઇ 25 વર્ષ કોર્પોરેટર તેમજ બે ટર્મ મેયર રહી ચૂકયા છે તેમજ હાલમાં પ્રદેશ ભાજપા કારોબારી સભ્ય તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. પ્રજા વચ્ચે રહી વિસ્તારના લોકોની સુખાકારી માટે સતત જાગૃત્ત રહેતાં પૂર્વ મેયરની માફક તેમના પુત્ર પણ સતત લોકોની વચ્ચે રહી લોકો માટે વિકાસ કાર્યો કરવાની નેમ ધરાવે છે તેમજ જણાવ્યું હતું કે, ભાજપાની વિચારધારા અને વિકાસલક્ષી આયોજનને વોર્ડ નં.10 માં આગળ ધપાવવા સતત કાર્યશીલ રહેશે.
લોકોના વિકાસ કામો એ જ પ્રાથમિકતા: પાર્થ જેઠવા
વોર્ડ નં.10 ના યુવા કોર્પોરેટર ‘ખબર ગુજરાત’ની શુભેચ્છા મુલાકાતે