જામનગર શહેરમાં રહેતાં એક દિવ્યાંગને પોલીસ સ્ટેશને જવું ન પડે તે માટે હાલારના સાંસદ દ્વારા કલેકટર અને પોલીસ અધિક્ષકને દિવ્યાંગના ઘરે જઈ ફરિયાદ લેવાની રજૂઆત કરતાં પોલીસ અધિક્ષકે હવેથી દિવ્યાંગોએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા નહીં આવવું પડે તેમના ઘરે જઈ ને પોલીસ ફરિયાદ નોંધશે.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં રહેતા સતારભાઈ દરજાદા નામના દિવ્યાંગને ફરિયાદ નોંધાવવાની હતી અને આ ફરિયાદ સંદર્ભે પોલીસ સ્ટશને જવું ન પડે તે માટેની જિલ્લા કલેકટરમાં તથા સાંસદ પૂનમબેન માડમને રજૂઆત કરી હતી. તે સંદર્ભે સાંસદ દ્વારા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુને તથા કલેકટર ડો. સૌરભ પારઘીને રજૂઆત કરી હતી. સાંસદની રજૂઆતને પગલે પોલીસ અધિક્ષકે હવેથી દિવ્યાંગોને ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશને ધકકો નહીં ખાવો પડે અને ફરિયાદી અથવા તો અન્ય કોઇ ખાનગી વ્યક્તિ પોલીસમથકે જાણ કરશે તો આ ફરિયાદનું નિવારણ લાવવા માટે પોલીસ તેમના ઘરે જઇને ફરિયાદ નોંધીને કાર્યવાહી કરશે તેમ પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું.
સાંસદની રજૂઆતનું પોલીસ વડા દ્વારા તાત્કાલિક નિરાકરણ કરવામાં આવતા સાંસદ પૂનમબેનએ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુનો આભાર વ્યકત કરી અભિનંદન પાઠવ્યાં હતાં.