Wednesday, February 18, 2026
Homeરાજ્યજામનગરવોર્ડ નં.6માં ડીમોલીશનનો પ્રશ્ન ઉકેલાતા લોકોએ સાંસદનો માન્યો આભાર

વોર્ડ નં.6માં ડીમોલીશનનો પ્રશ્ન ઉકેલાતા લોકોએ સાંસદનો માન્યો આભાર

સાંસદના પ્રયાસોથી ડીમોલીશન અટકયુ : સાંસદ દ્વારા રેલવેના અધિકારીઓ, કલેકટર, કમિશનર સાથે યોજાઇ બેઠક : ડેવલોપમેન્ટ લોકોની સુવિધા માટે, લોકોને અસુવિધા થાય તો ડીમોલીશન રોકી શકાય, લોકોની ચિંતા દૂર કરવાનો માનવતાવાદી અભિગમ-પૂનમબેન માડમ

જામનગરના હનુમાન ટેકરી અને તેની આજુબાજુના વિસ્તારના રહેવાસીઓને રેલ્વે તંત્ર દ્વારા 7 દિવસમાં તાકીદે જગ્યા ખાલી કરવાની નોટીસ આપ્યા બાદ અસરગ્રસ્તો દ્વારા સાંસદ પૂનમબેનને રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે સાંસદ પૂનમબેન દ્વારા રેલ્વે તથા જિલ્લાના વહિવટીતંત્રના અધિકારીઓ સાથે ચર્ચા કરી ડીમોલીશનની કામગીરી મુલત્વી રાખવામાં આવતા આ વિસ્તારના રહેવાસીઓમાં ખુશીની લહેર છવાઇ હતી. અને આ વિસ્તારના રહેવાસીઓએ સાંસદ પૂનમબેન માડમને આભાર માન્યો હતો.

- Advertisement -

જામનગર શહેરના દિગ્જામ સર્કલ નજીક આવેલ વોર્ડ નં.6ના હનુમાન ટેકરી અને તેની આજુબાજુના વિસ્તારના અનેક રહેવાસીઓને રેલ્વે તંત્ર દ્વારા 7 દિવસમાં તાકીદે જગ્યા ખાલી કરી આપવાની નોટીસ આપી હતી. જેને લઇ સ્થાનિકોમાં ડીમોલીશનનો ડર પેશી ગયો હતો. જેને લઇ રહેવાસીઓ દ્વારા જામનગર મહાનગરપાલિકા કચેરી તેમજ સાંસદ કાર્યાલય ખાતે રજૂઆત કરવા દોડી ગયા હતાં. તેમણે સાંસદ પૂનમબેન માડમને પણ રૂબરૂ મળી રજૂઆત કરી હતી. સાંસદ દ્વારા સર્વેને યોગ્ય ઉકેલ લાવવા હૈયા ધારણા આપી હતી. ત્યારબાદ ગઇકાલે સાંસદ પૂનમબેન માડમ દ્વારા વોર્ડ નં.6ના લોકોના પ્રશ્ર્નો અંગે કલેકટર કચેરી ખાતે રેલ્વેના અધિકારી, જિલ્લા કલેકટર તથા જામનગર મહાનગરપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી. તેમજ મિટીંગમાં શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના ભાજપ સંગઠનના હોદેદારો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં લાંબી ચર્ચા બાદ આ ડિમોલીશનના નિર્ણય મોકુફ રખાયો હતો.

- Advertisement -

સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, જામનગરના દિગ્જામ સર્કલ નજીકના વોર્ડ નં.6ના તેમજ વોર્ડ નં.2ના કેટલાક લોકોને રેલ્વેની નોટીસ મળી હતી. 1500 જેટલા ઘરોને નોટીસ મળતા લોકોમાં ભય છવાયો હતો. જેથી તાત્કાલીક અધિકારીઓની સાથે મીટીંગ યોજી હતી. આ મીટીંગમાં રેલ્વે દ્વારા તથા ડબલ ટ્રેકની કામગીરીમાં ટ્રેકની બાજુમાં કેટલી જગ્યા ખાલી રાખવાની છે એ લોકોને નોટીસ આપવા તેમજ લોકો બીજી વ્યવસ્થા કરી શકે તે રીતની બેથી ત્રણ મહિનાની નોટીસ આપવા ચર્ચા વિચારણા કરાઇ હતી. આ ઉપરાંત સુપ્રિમ કોર્ટનો પણ ચુકાદો આવેલ છે કે રેલ્વે જો કોઇપણ જગ્યા ખાલી કરાવે તો તેની ગાઇડલાઇન નિશ્ર્ચિત કરાઇ છે. આથી આ ગાઇડ લાઇનનું પાલન કરવા પણ આ મીટીંગમાં ચર્ચા કરાઇ હતી. તેમજ રેલ્વે નોટીસ આપે તો કયાં કાયદા હેઠળ અને ક્ષેત્રફળની સ્પષ્ટતા સહિતના મુદે વિસ્તારપુર્વકની નોટીસ આપવા પણ જણાવાયું હતું.

- Advertisement -

સાંસદે વધુમાં જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટનો પણ આદેશ છે કે, લોકોને હાલાકી ન થાય લોકોને પુરતો સમય મળે અને વિકલ્પીક વ્યવસ્થા થાય તો તે પણ થવી જોઇએ આથી આ અંગે પણ ચર્ચા થઇ હતી. તેમજ ડેવલોપમેન્ટની સુવિધા લોકો માટે જ છે લોકોની અસુવિધા કે સંઘર્ષ થતો હોય તો થોડો સમય ડેવલોપમેન્ટ રોકી શકાય તે લોકોની ચિંતા ઘ્યાને લઇ માનવતાવાદી અભિગમ હોવાનું તેમણે જણાવ્યું હતું.

ડીમોલેશન હાથ ન ધરવાના તંત્રના નિર્ણયથી આ વિસ્તારના રહેવાસીઓમાં ખુશી લહેર છવાઇ હતી અને લોકો ગઇકાલે સાંજે સાંસદને મળ્યા હતાં અને સાંસદનો આભાર માન્યો હતો. લોકોએ સાંસદને ફુલહાર પહેરાવી અભિવાદન કર્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular