માતાજીની ઉપાસના-ભક્તિ અને આરાધનાના પર્વ નવલા નોરતાનો આજથી પ્રારંભ થયો છે. શારદિય નવરાત્રીની શરુઆત જે વારથી થાય છે. તે વાર પ્રમાણે દેવીમાતા વિવિધ વાહનો ઉપર સવાર થઇને આવે છે. તેવું કહેવાય છે.
આ વર્ષે સોમવારથી નવરાત્રી શરુ થઇ છે. એટલે દેવીદુર્ગા હાથી ઉપર સવાર થઇને નવલા નોરતાની શરુઆત થતાં આજથી જામનગર શહેર માતાજીની ભક્તિના રંગે રંગાશે. નોરતામાં માતાજીની આરાધના, ગરબાનું અનેરું મહત્વ છે. લોકો ઘરોમાં ગરબાનું સ્થાપન કરે છે. નોરતાના પ્રારંભે આજે સવારથી લોકો દ્વારા ગરબાની ખરીદી કરવામાં આવી હતી. તેમજ નોરતા દરમિયાન માતાજીના હાર, ચુંડદી પણ પહેરાવવામાં આવે છે. જેની લોકોએ ખરીદી કરી હતી.
વિવિધ સ્થળોએ આકર્ષક ગરબાઓ જોવા મળી રહ્યા છે. લોકો વ્હેલી સવારથી જ ગરબાની ખરીદીમાં વ્યસ્ત જોવા મળ્યા હતાં. આજથી નવ દિવસ સુધી બાળાઓ પ્રાચીન ગરબીમાં વિવિધ રાસ-ગરબા રજૂ કરશે. તો બીજીતરફ અર્વાચીન ગરબી મહોત્સવમાં ખેલૈયાઓ ધૂમ મચાવશે. શહેરમાં વિવિધ પ્રાચીન ગરબી મહોત્સવ દ્વારા રોશનીના શણગાર સાથે નવરાત્રી મહોત્સવની તૈયારી થઇ ચૂકી છે.