વરસાદ શરુ થતાની સાથે જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. ગુજરાતમાં પણ એવા અનેક સ્થળો છે કે જ્યાં વરસાદ બાદ પ્રકૃતિના સૌન્દર્યનો આનંદ માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. પરંતુ ગુજરાતના અરવલ્લીના ભિલોડામાં આવેલ એક નાનકડુ ગામ એકાએક મિની કાશ્મીરમાં ફેરવાઈ ગયું છે. અહીં કુદરતી ધોધ શરુ થતા લોકો મોટી સંખ્યામાં ફરવા ઉમટયા છે.
અરવલ્લીના ભિલોડાથી 10કિમી દુર આવેલ સુનસર ગામે ભારે વરસાદ બાદ કુદરતી ધોધ એક્ટિવ થઈ ગયો છે. ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી પડતો આ ધોધ હાલ અદભૂત માહોલ સર્જી રહ્યો છે.અને દુર દુરથી સહેલાણીઓ ફરવા ઉમટી પડ્યા છે.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અરવલ્લીમાં ધોધમાર વરસાદના પરિણામે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.