દેશમાં અસહ્ય મોંઘવારીથી નાગરિકો પરેશાન થયા છે. પેટ્રોલ-ડિઝલ, દૂધ સહિતની અનેક ચીજવસ્તુઓના ભાવો આસમાને પહોંચ્યા છે. અસહ્ય મોંઘવારીને કારણે લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. વધતી મોંઘવારી સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ-ડિઝલના ભાવો રૂા. 100ની આસપાસ પહોંચી ગયા છે. જેને લઇને હલ્લાબોલ મચી રહ્યો છે. કોરોનાના કપરાકાળમાં લોકોના ધંધા-રોજગાર ભાંગી પડયા છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવો પણ વધવા લાગ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા તમામ વોર્ડમાં મોંઘવારી સામે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. આગામી એક અઠવાડીયા સુધી કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિવિધ વોર્ડમાં આશ્ર્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે. જેના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા ગઇકાલે સવારે મોંઘવારીના રાક્ષસનો વધ કરી વિરોધ દર્શાવ્યા બાદ ગઇકાલે સાંજે મોંઘવારીની દુકાનનું ઉદ્ઘાટન કરી મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતાં.
કોંગ્રેસ દ્વારા આજે સતત બીજા દિવસે મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન યથાવત્ રાખ્યું હતું. આજરોજ કોંગ્રેસ દ્વારા ‘બહુત હુઇ મહેંગાઇ કી માર, અબ કહા સો ગઇ મોદી સરકાર’ સહિતના સૂત્રોચ્ચાર સાથેના બોર્ડ લઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ સરકાર સામે મોંઘવારીને લઇ આકરા પ્રહારો કર્યા હતાં. રાંધણ ગેસના બાટલા, પેટ્રોલ-ડિઝલ, ખાદ્ય તેલ સહિતના ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા સતત બે દિવસથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષ નેતા અલ્તાફ ખફી, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટરો જેનમબેન ખફી, રચનાબેન નંદાણીયા, નુરમામદ પલેજા, અસલમભાઇ ખિલજી સહિતના કોંગ્રેસના હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહી મોંઘવારી મુદ્દે સરકારને ઘેરવા વિરોધ પ્રદર્શન કર્યું હતું.