ખંભાળિયા શહેરની પોસ ગણાતી એવી રામનાથ સોસાયટી તથા એસએનડીટી વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસો થયા વધતા જતા વીજ વિક્ષેપના કારણે લોકો કંટાળી ગયા છે. અહીંના મહત્વના એવા ધરમબાગ સોસાયટી – એસએનડીટી તથા રામનાથ સોસાયટી ખાતે પીજીવીસીએલની કામગીરીમાં જાણે કોઈ ક્ષતિ રહી જતી હોય, તેમ અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જવા, ટ્રાન્સફોર્મર બળી જવા, વીજવાયરો તૂટવા સહિતના બનાવો બને છે.
આ અંગે સ્થાનિક રહીશો દ્વારા વીજ સત્તાવાળાઓને લેખિત તથા મૌખિક રૂબરૂ જાણ કરવામાં આવ્યા છતાં પણ પૂરતી ક્ષમતાના ટ્રાન્સફોર્મર ન નાખવામાં આવતા વારંવાર ડીમ વોલ્ટેજ સહિતની સમસ્યાઓ ઊભી થતી હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે.
ગઈકાલે બુધવારે રાત્રે આ વિસ્તારોમાં લાંબો સમય વીચ પુરવઠો ખોવાઈ જતા પી.જી.વી.સી.એલ.ના ઉચ્ચ અધિકારીઓ સુધી ફરિયાદ કરવા માટેના પ્રયાસો આ વિસ્તારના લોકોએ કર્યા હતા. પરંતુ તેમના ફોન કવરેજ બહાર કે નો રીપ્લાય થતા હતા. આ વચ્ચે રાત્રે ટ્રાન્સફોર્મર બદલવા માટે તંત્રને કામગીરી કરવી પડી હતી. આ રહેણાંક સોસાયટીના કાયમી પ્રશ્ર્નથી લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી.
ગઈકાલે સાંજથી રાત્રીના મોડે સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતા કાળઝાળ ગરમીમાં લોકો ત્રાસી ગયા હતા. અને વીજતંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.