તાજેતરમાં અમરેલી જિલ્લામાં સ્થાનિક લેવલે ભારતીય જનતા પાર્ટીના અંદરોઅંદર ડખ્ખાના કારણે પાર્ટીમાં લેટર કાંડ થયેલો જે પૈકી પાટીદાર સમાજની કોમ્પ્યુટર ઓપરેટર દિકરીને ખોટી રીતે આરોપી બનાવી ધરપકડ કરી જાહેરમાં સરઘસ કાઢવા બાબતે વિરોધ નોંધાવતા જામનગર પટેલ યુવા ગ્રુપ બંધારણની જોગવાઈ અને કાયદા મુજબ જ્યારે એક મહિલા આરોપી હોય ત્યારે તેમની ધરપકડ રાત્રિના સમયે ન કરવી જોઇએ. આરોપી મહિલા હોય તો તેમના ફોટા અને વીડિયો વાઈરલ ન કરવા જોઇએ તેમજ તેની ઉપર લાગેલા આરોપો જ્યાં સુધી સાબિત ન થાય ત્યાં સુધી તેમની ઓળખાણ જાહેર ન કરવાની કાયદામાં જોગવાઇ છે. તો તે બાબતે યોગ્ય તપાસ કરીને દિકરીને યોગ્ય ન્યાય મળે તેવી જામનગર પટેલ યુવા ગ્રુપ દ્વારા ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી.
આ આખા કાંડમાં દિકરી નિર્દોષ છે. તે એક કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. જેને પોતાના માલિકના કહેવા પ્રમાણે ટાઈપિંગનું કામ કરી હોય આ દિકરીનો ઈરાદો કોઇને બદનામ કરવાનો ન હતો. જેથી કરીને દિકરીનું નામ ફરિયાદમાંથી દૂર કરવામાં આવે તેમજ દિકરીને નિર્દોષ જાહેર કરવામાં આવે તથા સ્વમાનભેર દિકરીને જેલમુકત કરવામાં આવે કાયદાથી વિરૂધ્ધ જઈ પોતાની મરજી મુજબ મનમાની કરી દિકરીનું જાહેરમાં સરઘસ કાઢનાર વિરૂધ્ધ કાયદાકીય શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી રજૂઆત પટેલ યુવા ગ્રુપ જામનગર દ્વારા કરવામાં આવી હતી. તેમ સંસ્થાના પ્રમુખ પાર્થભાઇ પટેલની યાદીમાં જણાવાયું છે.