રાજયમાં કોરોના સંક્રમણ રોકેટ ગતીએ વધી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે. ત્યારે કોરોનાના સંક્રમણને ધ્યાને લઇ યાત્રાધામ યાત્રામાં પણ તા.22 એપ્રિલથી બપોરે બે વાગ્યા બાદ સંપૂર્ણ લોકડાઉનની નગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આગામી સમયમાં દ્વારકામાં લગ્ન પ્રસંગો હોવાથી જે લોકોના ઘરે લગ્ન પ્રસંગ હોય તેઓને પણ 50 લોકોની મર્યાદામાં પ્રસંગ યોજવા દ્વારકાના પીઆઇ પી.બી.ગઢવી દ્વારા જણાવાયું છે. અન્યથા કડક કાર્યવાહી કરવામાં આવશે.
યાત્રાધામ દ્વારકા નગર પાલિકા દ્વારા આવતી કાલ એટલે કે 22 એપ્રિલથી બપોરના બે વાગ્યા બાદ સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે. દ્વારકાનાં તમામ વેપારીઓ સાથે બેઠક યોજી તા. 22 થી 30 એપ્રિલ સુધી બપોરના બે વાગ્યાથી સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ મિટિંગ માં વેપારી આગેવાનો, હોટલ, રેસ્ટોરન્ટ, અનાજ વેપારી તેમજ દ્વારકા પ્રાંત અધિકારી, દ્વારકા નગર પાલિકા નાં પ્રમુખ,ચીફ ઓફિસર તેમજ દ્વારકા પી.આઇ. ની હાજરી સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. હાલ માં દ્વારકાધીશ મંદિર બંધ હોવાથી મોટા ભાગના વેપાર ધંધા બંધ જેવા જેવી હાલતમાં છે.તેથી આજે દ્વારકાને સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે. ખાસ કરીને જીવન જરૂરિયાત ની વસ્તુ જેમ કે દૂધ, દવા ને છૂટછાટ આપવામાં આવી છે.