દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક સમગ્ર રાજ્યમાં ઉત્તેજનાસભર તથા આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. અહીં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા સાથે પૂર્વસાંસદ અને બે વખતથી અહીં ચુંટાતા કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાની કાંટે કી ટક્કર હતી. આ ત્રિપાંખિયા જંગ વચ્ચે ખંભાળિયાના મૂળ વતની અને વતન પ્રત્યે અનોખો પ્રેમ ધરાવતા રાજ્યસભાના સાંસદ તથા રિલાયન્સના પરિમલભાઈ નથવાણીની ભાજપના ઉમેદવાર પ્રત્યેની લાગણી તથા જહેમત નોંધપાત્ર બની રહી હતી.
વિધાનસભા બેઠક માટે ઉમેદવારીપત્ર ભરવાના દિવસે ટેકેદાર તરીકે પરિમલભાઈ નથવાણીએ સાથે જોડાઈ અને ખંભાળિયા શહેર તથા આસપાસના વાડી વિસ્તારોમાં ભાજપના ઉમેદવાર માટે હકારાત્મક વાતાવરણ સર્જવા માટે તેમનો સિંહ ફાળો બની રહ્યો હતો.
આમ, ચૂંટણીના પ્રારંભથી ગઈકાલે પરિણામના અંત બાદ વિજયસભામાં પણ ઉપસ્થિત રહેવા પરિમલભાઈ નથવાણી ખાસ ખંભાળિયા આવ્યા હતા અને તેમણે મુળુભાઈનું સન્માન કરી, શહેરના વિકાસ માટે મુળુભાઈનું યોગદાન મહત્વપૂર્ણ બની રહેશે. તેવો આશાવાદ પણ મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો.