રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ધો.1માં પ્રવેશ માટેની સરકારની ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ફોર્મ ભરવાની પ્રક્રિયા પુરી થયા બાદ ફોર્મ ચકાસણી પ્રક્રિયા પણ પુરી થઈ ગઈ છે પરંતુ 25 હજારથી વધુ ફોર્મ રદ થયા છે અને જેમાં ઘણા વાલીઓના ડોક્યુમેન્ટ જોડવાના ઓનલાઈન રહી ગયા હોવાથી સરકારને આ મુદ્દે વિવિધ ડીઈઓમાંથી રજૂઆતો થઈ છે જેને પગલે વાલીઓને ફરી તક આપવાની વિચારણા છે.જેથી હવે આગળનો પ્રવેશ કાર્યક્રમ બદલવામા આવશે અને હવે 15મીએ પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી કરવામા નહી આવે.
આરટીઈમાં ધો.1માં વિનામુલ્યે પ્રવેશ માટેની પ્રક્રિયામાં સરકારે જાહેર કરેલ કાર્યક્રમ મુજબ 5મી જુલાઈ સુધી ઓનલાઈન ફોર્મ ભરાયા બાદ 6થી10 જુલાઈ સુધી જે તે ડીઈઓ-ડીપીઓ કચેરી દ્વારા ભરાયેલા ફોર્મ અને ડોક્યુમેન્ટની ચકાસણી થનાર હતી.પરંતુ જેમાં મુદત વધારીને 13મી સુધી કરાઈ હતી.જે આજે પૂર્ણ થઈ ગઈ છે.આ વર્ષે 74 હજાર જેટલી બેઠકો સામે 1.83 લાખ જેટલા ફોર્મ ભરાયા છે અને જેમાંથી 25 હજારથી વધુ ફોર્મ રિજેક્ટ થયા છે.રિજેક્ટ થયેલા ફોર્મમાં ઘણા વાલીઓએ ઓનલાઈન જરૂરી ડોક્યુમેન્ટ જોડયા ન હોવાથી ફોર્મ અમાન્ય કર્યા છે.જેથી આ બાબતે વિવિધ જિલ્લામાં ડીઈઓ ખાતે મોટી સંખ્યામાં વાલીઓએ ફોર્મ રિજેક્ટ થવા મુદ્દે રજૂઆતો કરી છે.
જેને પગલે સરકારે હવે આવા ફોર્મમાં પુરાવા જોડવા માટેની તક આપવા વિચારણા કરી છે અને એક-બે દિવસમાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓને જરૃરી બાકી ડોક્યુમેન્ટ જોડવા માટે બે દિવસ અપાય તેવી શક્યતા છે.હવે આગળનો પ્રવેશ કાર્યક્રમ પણ બદલાશે.જે મુજબ 15મીએ હવે પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી કરવામા નહી આવે .પ્રથમ રાઉન્ડની ફાળવણી સાથે સંપૂર્ણ નવો પ્રવેશ કાર્યક્રમ હવે પછી જાહેર કરવામા આવશે.આ વર્ષે બેઠકો ઘટવા સામે ફોર્મ વધુ ભરાયા છે અને તેમાં પણ હવે ફરી સરકાર દ્વારા કોઈ પણ બાળકને અન્યાય ન થાય તે માટે ફરી તક આપવામા આવનાર છે ત્યારે પ્રવેશમાં ભારે કટોકટી સર્જાશે લગભગ 50 ટકાથી વધુ બાળકને પ્રવેશ મળે તેમ નથી.
RTEમાં અમાન્ય ફોર્મ ધરાવતા વાલીઓને બીજી તક આપવામાં આવશે
આવતીકાલે 15મી એ શરૂ થનારો પ્રથમ પ્રવેશ રાઉન્ડ મોકૂફ રહ્યો ?