જામનગર શહેરના ઓશવાળ કોલોની ઉપાશ્રયમાં બિરાજમાન પ.પૂ.પન્યાસ શ્રી વજ્રસેનવિજયજી મહારાજ સાહેબની નાંદુરસ્ત તબિયતના કારણે સોમવારે સકળ સંઘ દ્વારા નવકાર મહમંત્રનું સ્મરણ કરતા કરતા રાત્રિના સમયે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતાં. તેમની પાલખી યાત્રા આજે સાંજે 4 વાગ્યે ઓશવાળ કોલોની ઉપાશ્રય ખાતેથી નિકળી હતી. જેમાં જૈન શ્રાવક-શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ભારે હૈયે મહારાજ સાહેબને વિદાય આપી હતી.
મહારાજ સાહેબ કાળધર્મ પામ્યાની જાણ થતા મોટી સંખ્યામાં જૈન શ્રાવક-શ્રાવિકાઓ દર્શનાર્થ માટે ઉપાશ્રય આવ્યા હતાં. મહારાજ સાહેબની પાલખી યાત્રા ઓશવાળ કોલોનીથી ચંપાવિહાર, કામદાર કોલોની, લાલ બંગલો, ટાઉનહોલ, પંચેશ્ર્વટાવર, બેડીગેઇટ, રતનબાઈ મસ્જિદ, ચાંદીબજાર ચોક, સેન્ટ્રલ બેંક, હવાઈ ચોક, ખંભાળિયા ગેઈટ, દિગ્વીજય પ્લોટ પોલીસ ચોકી રોડ, હિરજી મિસ્ત્રી રોડ, રણજીતનગરના માર્ગ પરથી પસાર થઇ હતી.
પ.પૂ.પન્યાસ શ્રી વજ્રસેનવિજયજી મહારાજ સાહેબની પાલખી યાત્રા યોજાઇ
ઓશવાળ ઉપાશ્રયથી નિકળી શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી: જૈન શ્રાવક-શ્રાવિકાઓએ દર્શનનો લાભ લીધો