જામનગર તાલુકાના પડાણા ગામે ગેરકાયદેસર જમીન પચાવી પાડી તેના પર હોટલનું બાંધકામ કરવા અંગેની ફરિયાદને ફરીથી રિઓપન કરી દબાણકારો સામે ગુજસીટોક કાયદા અંતર્ગત કાર્યવાહી કરવા જામનગરના અરજદારે માગણી કરી છે.
જામનગરમાં ભારત સોસાયટીમાં રહેતાં સુભાષ કેશવજી શાહએ જિલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, તેમની પડાણા પાસે આવેલી માલિકીની જગ્યામાં અજિતસિંહ ભીખુભા જાડેજાએ ગેરકાયદેસર દબાણ કરી હોટલનું બાંધકામ કર્યું હતું. જે અંગે ગત તા. 21-9-21ના રોજ પડાણા સર્કલ ઓફિસરને ફરિયાદ કરતાં તેમણે આ અંગે રોજકામ કરી અજિતસિંહ ભીખુભાનું નિવેદન નોંધ્યું હતું. જેમાં અજિતસિંહ દ્વારા આ જગ્યા પર ગેરકાયદે કબજો કરાયો હોવાનું સ્પષ્ટ થયું હતું. જે અંગે ફરિયાદ નોંધવામાં આવ્યા બાદ તપાસ કરવામાં આવી રહી છે. અરજદાર સુભાષભાઇ શાહે પોતાની અરજીમાં માગણી કરી છે કે, આ ફરિયાદમાં જમીન પચાવી પાડવા અંગેના નવા ગુજસીટકોના કાયદા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે. તેમજ આ કાયદા મુજબ જ દબાણકર્તા તેમજ તેઓના માણસો સામે ગુન્હો નોંધવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.