જામનગરમાં દુકાનધારક વેપારીઓ માસ્ક પહેર્યા હોવા છતાં પોલીસ દ્વારા તેમજ કોઇપણ ડિપાર્ટમેન્ટમાંથી કર્મચારી આવી રૂા. 1000નો દંડ ફટકારતાં હોય, જેને લઇને વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ અંગે જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઇ તન્ના દ્વારા જિલ્લા પોલીસ વડા દિપન ભદ્રનને પત્ર લખી વેપારીઓની વ્યથા દૂર કરવા માંગણી કરવામાં આવી છે.
આ પત્રમાં જણાવ્યું છે કે, જામનગરમાં દરેક વેપારી સરકાર દ્વારા જે કોઇ નિયમ બનાવે છે. તેનું સંપૂર્ણપણે પાલન કરે છે અને કાયદાને માન આપે છે. દુકાનધારક વેપારી જ્યારે તેની પેઢી ઉપર હોય ત્યારે કોઇપણ ડિપાર્ટમેન્ટમાંથી કર્મચારી આવે છે અને તુરંત જ રૂા. 1000ની પહોંચ ફાળવાની જ વાત કરે છે. દુકાનધારક વેપારી પાણી પીવા અથવા નાસ્તો કરવા માટે માસ્ક કાઢે છે. ત્યારે આવેલ કર્મચારીઓ વેપારીની વાત સાંભળવા તૈયાર જ નથી હોતા. તેઓ કહે છે કે, જીપમાં બેસો અથવા તો દુકાનને સિલ મારી દઇશું. વેપારીની વાત સાંભળવામાં જ આવતી નથી અને વેપારીને ડરાવવામાં આવે છે. આથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.
જામનગરમાં વેપારીઓને માસ્કના દંડના અતિરેકથી રોષ
જામનગર વેપારી મહામંડળ દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત