જામનગર જિલ્લાના નાની ખાવડી ગામમાં રવિવારે વહેલીસવારના સમયે યુવકની નાની ખાવડી ગામના જ એક શખ્સ દ્વારા કરપીણ હત્યા નિપજાવાઈ હતી. આ હત્યામાં આરોપીની પત્નીને મૃતક યુવક પરેશાન કરતો હોવાની શંકાના આધારે યુવકનું ઢીમ ઢાળી દેવાયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જેના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી નાશી ગયેલા હત્યારાને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
કરપીણ હત્યાના બનાવની વિગત મુજબ, જામનગર જીલ્લાના નાની ખાવડી ગામમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતાં બલભદ્રસિંહ જાડેજા (ઉ.વ.21) નામના યુવાનનો રવિવારે સવારે નાની ખાવડી ગામની સીમમાં તિક્ષ્ણ હથિયાર વડે ગળે કાપી હત્યા નિપજાવેલો મૃતદેહ મળી આવ્યાની જાણ થતા સીક્કા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી જામનગરની જી. જી. હોસ્પિટલમાં પીએમ માટે મોકલવામાં આવ્ય હતો. પોલીસ તપાસ દરમિયાન મૃતકના ગળામાં તિક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી દેવાતા યુવકનું ગળે કપાઈ ગયું હતું અને લોહીથી લથબથ હાલતમાં સ્થળ પર જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. પોલીસે બનાવ સ્થળ પરથી એક કાર મળી આવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરતા મૃતક યુવક બલભદ્રસિંહ જાડેજાને શનિવારે રાત્રિના સમયે ગામમાં જ રહેતા જનકસિંહ ઝાલા સાથે બોલાચાલી થઈ હતી અને બલભદ્રસિંહ જનકસિંહની પત્નીને પરેશાન કરતો હતો. આ શંકાના આધારે રવિવારે વહેલીસવારે બલભદ્રસિંહ જાડેજા અને જનકસિંહ વચ્ચે ફરીથી બોલાચાલી થઈ હતી.
આ બોલાચાલીમાં જનકસિંહ ઝાલા એ તિક્ષ્ણ હથિયાર વડે બલભદ્રસિંહ જાડેજા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં બલભદ્રસિંહનું ગળુ કપાઈ જતાં લોહીથી લથબથ હાલતમાં ઘટનાસ્થળે જ મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. હત્યા નિપજાવ્યા બાદ જનકસિંહ નાશી ગયો હતો. બાદમાં પોલીસે મૃતદેહને તેના પરિવારજનોને સોંપી જનકસિંહ ઝાલા વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.