ગુજરાતમાં છેલ્લાં બે સપ્તાહથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં દરરોજ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. દરરોજ વધતા કેસોની સાથે સાથે મોતની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યની સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ કોરોના પોઝિટિવની સંખ્યા ડબલ થઈ ગઈ છે અને છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગરની કોવિડ હોસ્પિટલમાં 16 દર્દીઓના મોત નિપજ્યા છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 3160 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 2028 દર્દીઓએ કોરોનાને માત આપી હતી.
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં બે સપ્તાહથી કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને પોઝિટિવ કેસોની સંખ્યા ડબલથી પણ વધુ થઈ ગઈ છે. અક સપ્તાહ પહેલાં દરરોજ 25 થી 30 કેસ નોંધાતા હતાં જ્યારે આજે દરરોજના 70-70 કેસ નોંધાઈ રહ્યા છે તેની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવની સંખ્યા ડબલ થઈ ગઈ છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 70 દર્દીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે 24 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને ગ્રામ્ય વિસ્તારમાં 54 નવા દર્દીઓ ઉમેરાયા છે અને 30 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. આમ જિલ્લામાં 24 કલાક દરમિયાન કુલ 124 નવા દર્દી ઉમેરાયા છે અને 70 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. જામનગરની કોવિડ હોસ્પિટલમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 16 દર્દીઓના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે. જો કે, હોસ્પિટલમાં થતા મોત સરકારી ચોપડે કોરોનાના કારણે મોત થયાનું દર્શાવવામાં આવતું નથી. જેથી હોસ્પિટલમાં 16 દર્દીઓના મોત છે. જ્યારે સરકારી ચોપડે એક પણ મોત 24 કલાક દરમિયાન થયું નથી.
જામનગર શહેર-જિલ્લામાં વધતા જતાં કોરોના સંક્રમણને કારણે કલેકટર રવિ શંકર દ્વારા જાહેર જનતાને કામ વગર બહાર ન નિકળવા અપીલ કરવામાં આવી છે અને લોકોએ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવી માસ્ક પહેરવા માટે વધુ એક અપીલ કરી હતી તેની સાથે-સાથે જિલ્લામાં સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન ન કરતા દુકાનદારો અને લોકો સામે દંડાત્મક કાર્યવાહી પણ કડક કરી દેવામાં આવી છે અને માસ્ક વગર બેખોફ ફરતા લોકો પાસેથી દંડની વસુલાત કરવામાં આવી રહી છે તેમ છતાં લોકોમાં કોરોના પ્રત્યે જાગૃત્તતાને બદલે બેદરકારી વધતી જાય છે જેનું પરિણામ હાલારવાસીઓએ ભોગવવું પડે છે.
સમગ્ર દેશમાં કોરોના મહામારીમાં બીજી લહેર સૌથી ઝડપી વકરતી જાય છે અને દેશભરમાં 24 કલાક દરમિયાન પોઝિટિવ કેસોની સંખ્યાનો આંકડો 1 લાખને પાર થઇ ગયો છે તેમાં પણ ખાસ કરીને મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ સૌથી વધુ ગંભીર છે. મહારાષ્ટ્ર ઉપરાંત પંજાબ, છતીસગઢ અને ગુજરાતમાં પણ પરિસ્થિતિ ધીમે ધીમે વકરતી જાય છેે. હાલ દેશમાં કુલ 7 લાખ એકટિવ કેસ છે અને દેશભરમાં આ કોરોના વિસ્ફોટમાં દરરોજ અસંખ્ય લોકોના મોત થાય છે. આગામી ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી કોરોનાની મહામારીનું સંક્રમણ અટકાવવા માટેની ચર્ચા-વિચારણા કરશે.
જ્યારે રાજ્યમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 3160 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 2028 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. તેની સામે રાજ્યમાં 24 કલાક દરમિયાન 300280 લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી. જ્યારે રાજ્યમાં કુલ 15 લોકોના મોત નિપજ્યાનું સરકારી ચોપડે નોંધાયું છે. આજ દિવસ સુધીમાં રાજ્યમાં કુલ 67,62,638 લોકોને કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ જ્યારે 8,10,126 વ્યકિતઓને કોરોના વેકિસનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ 72,72,776 લોકોને કોરોના વેકિસન અપાઈ છે.