રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો રંગ બરાબર જામ્યો છે. રાજકીય પક્ષોમાં ટીકીટની ફાળવણીને લઈને વિરોધ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના એક ધારાસભ્યએ ટીકીટની ફાળવણીને લઇને નારાજગી દર્શાવી રાજીનામું આપી દીધું છે. સોમવારે અમદાવાદના જામાલપુરના ધારાસભ્યએ કોંગ્રેસને ઝાટકો આપ્યો છે. અને ટીકીટ ફાળવણીમાં નારાજગી વ્યક્ત કરી રાજીનામું આપી દીધું છે.
અમદાવાદના જામાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાને પોતાનું રાજીનામુ સોંપ્યું છે. તેમના પાર્ટી પ્રત્યે અસંતોષનું કારણ અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા થયેલી ટિકિટ વહેંચણી તેમજ મેન્ડેટ આપવાની પદ્ધતિને લઇને નારાજગી છે. આ અગાઉ કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીના કકળાટ વચ્ચે જામાલપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ઈમરાન ખેડાવાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી. તેમણે ટિકિટ વહેંચણીમાં કાર્યકર્તાઓ સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. જમાલપુરમાં ઈમરાન ખેડાવાલા વિરૂદ્ધ પોસ્ટર લગાતા સમગ્ર વિવાદ સામે આવ્યો હતો.
આ અંગે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા ધાનાણીએ જણાવ્યું કે, ખેડાવાલાએ કાર્યકરોની લાગણીમાં આવી જઈને નારાજગી વ્યક્ત કરી છે. ખેડાવાલાના રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવે છે.