લોકસભા 2024ની ચૂંટણીમાં રાજકોટ બેઠક પર ભાજપાના ઉમેદવાર પરષોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી આપેલી પ્રતિક્રિયાથી સમગ્ર રાજપૂત સમાજને ઠેંસ પહોંચી છે. જાહેર કાર્યક્રમમાં કરાયેલી ટિપ્પણીથી સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. તેમાં આજે જામનગરમાં શ્રી હાલાર જિલ્લા રાજપૂત સેવા સમાજ દ્વારા વિશાળ મૌન રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
હાલમાં જ ભાજપા દ્વારા લોકસભાની રાજકોટ બેઠક માટે પરષોતમ રૂપાાલાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતાં. 2024 ની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઇ હતી તે દરમિયાન રૂપાલાએ એક કાર્યક્રમમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રાજપૂત સમાજ માટે આપેલી પ્રતિક્રિયાથી રાજપૂત સમાજને ઠેંસ પહોંચી હતી. તેમજ આ પ્રતિક્રિયાથી સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજ દ્વારા ઉગ્ર વિરોધ અને પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં રાજપૂત સમાજ દ્વારા રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવાની માંગણી સાથે રેલી, સૂત્રોચ્ચાર, આવેદનપત્ર સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા છે ત્યારે જામનગરમાં શ્રી હાલાર જીલ્લા રાજપૂત સમાજ દ્વારા પુરૂષોત્તમ રૂપાલાનો વિરોધ કરી મૌન રેલી દ્વારા જામનગર કલેકટરને આવેદનપત્ર પાઠવી વડાપ્રધાન તથા મુખ્યમંત્રીને ઉદેશીને રૂપાલાની ટિકિટ રદ્દ કરવા માગણી સાથે રજૂઆત કરી હતી.