દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં વર્ષોથી થયેલા અનઅધિકૃત દબાણ અંગે સ્થાનિક તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારની સૂચના તથા સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા સ્થાનિક તંત્રને સાથે રાખી અને બેટ દ્વારકામાં હાથ ધરવામાં આવેલા ઓપરેશન ડિમોલીશન હવે ઐતિહાસિક બની રહ્યું છે. બીજા રાઉન્ડમાં ગત ગુરૂવારથી શરૂ થયેલી દબાણ હટાવ ઝુંબેશથી વધુ રૂ. અડધો કરોડ વધુની કિંમતની જગ્યા ખુલી કરવામાં આવી છે.
રવિવાર તથા સોમવારના બ્રેક વચ્ચે આજરોજ મંગળવારે પુન: બેટ દ્વારકામાં ઓખા નગરપાલિકા તેમજ પોલીસ તંત્રનો સ્ટાફ જેસીબી જેવા મશીનો સાથે પહોંચ્યો હતો અને આજે કેટલાક વિસ્તારોમાં પુન: આ અંગેની કામગીરી થનાર થઈ હતી.
બેટ દ્વારકામાં અનઅધિકૃત દબાણ અંગેના સર્વે બાદ તૈયાર કરવામાં આવેલી યાદી પૈકીના મોટાભાગના દબાણો દૂર કરવામાં આવ્યા છે. સાથે-સાથે નવા સર્વે કરી અને આ અંગેની તપાસણી તથા વધુ દબાણ દૂર કરવા માટેની તજવીજ પણ કરવામાં આવી છે. નજીકના સમયમાં દિપોત્સવીના તહેવાર હોય, ત્યાં સુધી આ કામગીરી ચાલુ રહે તેવી સંભાવના વચ્ચે આગામી સપ્તાહમાં સંભવિત રીતે વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં આ તમામ અધિકારીઓ તથા સ્ટાફ ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત થાય ત્યારે આ દબાણ હટાવ ઝુંબેશ પણ બ્રેક લાગે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે.