ગુજરાતમાં ઓનલાઇન આર.ટી.આઇ. ફાઇલ કરવાની અને તેની ફી ભરવાની સુવિધા હજુ સુધી શા માટે શરૂ નથી થઇ તે મુદ્દે રાજ્ય સરકારને ફરી સોગંદનામું કરવા ગુજરાત હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે. જૂન-2019માં સરકારે કોર્ટમાં જવાબ ફાઇલ કર્યો હતો કે ઓનલાઇન આર.ટી.આઇ. માટેની વ્યવસ્થા ગોઠવાઇ રહી છે અને માર્ચ-2020 સુધીમાં તે પૂર્ણ થઇ જશે.
હાઇકોર્ટમાં વર્ષ 2018 અને 2019માં થયેલી બે જાહેર હિતની અરજીઓમાં રજૂઆત કરવામાં આવી હતી કે કેન્દ્ર સરકાર અને અન્ય કેટલીક રાજ્ય સરકારોના તમામ વિભાગોમાં ઓનલાઇન આર.ટી.આઇ. ફાઇલ થઇ શકે છે અને તેની ફી પણ ઓનલાઇન ચૂકવી શકાય છે.
જ્યારે ગુજરાત સરકાર અને તેની હેઠળના વિભાગોમાં આર.ટી.આઇ. ફાઇલ કરવાની ઓનલાઇન સુવિધા શરૂ કરવામાં આવી નથી. આ રિટના જવાબમાં રાજ્ય સરકારે 2019માં કહ્યું હતું કે ઓનલાઇન આર.ટી.આઇ. માટેની વ્યવસ્થા હાલ નિર્માણાધિન છે અને માર્ચ-2020 સુધીમાં તે કામગીરી પૂર્ણ થઇ જશે.
જો કે હજુ સુધી આ સુવિધા શરૂ ન થતા હાઇકોર્ટે સામાન્ય વહિવટ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને નવું સોગંદનામું રજૂ કરવા નિર્દેશ કર્યો છે. આ ઉપરાંત કોર્ટે નોંધ્યું છે કે અરજદારો જે માગણી કરી રહ્યા છે તે ખૂબ સરળ જ નહીં પરંતુ ઉચિત પણ છે. ટેકનોલોજીકલ વિકાસના આ યુગમાં આવું કરવું શક્ય અને જરૂરી છે.