કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં રહેતાં પ્રૌઢ તેના ખેતરેથી ઘર તરફ બાઈક પર જતાં હતા તે દરમિયાન રસ્તામાં રોજડુ આડુ ઉતરતા બાઈક સ્લીપ થવાથી અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન પ્રૌઢનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં રહેતાં છગનભાઈ ગોરધનભાઈ મારકણા (ઉ.વ.57) નામના પ્રૌઢ તા.23 ના સવારના 6:30 વાગ્યાના અરસામાં તેના જીજે-10-સીએફ-7432 નંબરના બાઈક પર ઘર તરફ જતા હતા તે દરમિયાન પીપર ગામ તરફ જવાના માર્ગ પર બાઈક આડે રોજડુ ઉતરતા ચાલક પ્રૌઢે કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થયું હતું. આ અકસ્માતમાં પ્રૌઢને શરીેરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા હેકો જીઆઈ જેઠવા તથા સ્ટાફે મૃતકના પુત્ર ભરતભાઈના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.