જામનગર તાલુકાના વસઇ ગામના વાડી વિસ્તારમાં આવેલા કુવામાંથી પાણીની મોટર બહાર કાઢતા સમયે પગ સલવાઈ જતાં કુવામાં પડતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા પ્રૌઢનું જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના વસઇ ગામના વાડી વિસ્તારમાં રહેતાં નારણભાઈ વરજાંગભાઈ ઓડીચ (ઉ.વ.51) નામના પ્રૌઢ મંગળવારે સવારના સમયે કૂવામાંથી પાણીની મોટર બહાર કાઢતા હતાં તે દરમિયાન રસ્સો છટકીને પ્રૌઢના પગમાં ફસાઈ જતાં પ્રૌઢ કૂવામાં પડી ગયા હતાં. જેથી તેમને માથાના ભાગે અને જમણી સાઈડમાં કપાળ ઉપર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત પ્રૌઢને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પત્ની નીલુબેન દ્વારા જાણ કરાતા હેકો જે.જી. રાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.