Monday, December 23, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છચિંતા : વધુ એક યુવા જિંદગી ભરખી ગયો કિલર એટેક

ચિંતા : વધુ એક યુવા જિંદગી ભરખી ગયો કિલર એટેક

17 વર્ષની છાત્રા બાદ રાજકોટના 28 વર્ષના છાત્રનું હાર્ટએટેકથી મોત : યુવાનોમાં વધતાં જતાં હાર્ટએટેકના બનાવોએ ચિંતા વધારી

- Advertisement -

રાજકોટમાં હાર્ટએટેકથી વધુ એક વિદ્યાર્થીનું મોત થયું છે. શહેરની વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા મૂળ સુરત જિલ્લાના 28 વર્ષીય કલ્પેશ પ્રજાપતિને હાર્ટ એટેક આવ્યો હતો. સારવાર માટે હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

કલ્પેશ વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં આર્કિટેક્ચરના કોર્સના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ગઈકાલે સાંજે કોલેજથી છૂટી રહ્યો હતો એ દરમિયાન છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. આથી તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. કલ્પેશે વેક્સિનના ત્રણ ડોઝ લીધાનું સામે આવ્યું છે.
મૂળ બારડોલીના અને હાલ છેલ્લા ચાર વર્ષથી રાજકોટમાં રહી કાલાવડ રોડ પર આવેલ VVP એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા 28 વર્ષીય કલ્પેશ પ્રજાપતિને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા પ્રથમ સોડા પીધી હતી. બાદમાં તેમને મિત્રને ફોન કરી હોસ્પિટલ જવા જાણ કરી હતી. જે બાદ મિત્ર તેમને 108 મારફત હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, હોસ્પિટલ પહોંચે તે પૂર્વે જ તેણે દમ તોડી દીધો હતો અને મોત નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ કોલેજ સંચાલકોને તેમજ તેના પરિવારજનોને કરવામાં આવી હતી.

કોલેજના પ્રિન્સિપાલ દેવાંગ પારેખે જણાવ્યું હતું કે, કલ્પેશ પ્રજાપતિ અમારી કોલેજમાં છેલ્લા ચાર વર્ષથી આર્કિટેક્ચરનો અભ્યાસ કરી રહ્યો હતો અને હાલ તે છેલ્લા એટલે ફાઈનલ વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેને એસીડીટી જેવી પ્રોબ્લેમ થતી હોવાથી સોડા પીવા ગયો હતો. બાદમાં અચાનક છાતીમાં દુખાવો વધી જવાથી તે પોતે તેના મિત્રને ફોન કરી હોસ્પિટલ જવા મદદ માગી હતી. 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજતા દુ:ખની લાગણી વ્યક્ત કરી રહ્યા છીએ

- Advertisement -

કલ્પેશ એક સામાન્ય પરિવારમાંથી આવતો હતો. તેના પરિવારમાં તેનાથી મોટા એક બહેન પણ છે. હાલ યુવાન પુત્રને ગુમાવવાથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular