દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે તેવામાં કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે અનેક રાજ્યોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આવતીકાલ એટલે કે 29 અપ્રિલ થી 3 મે સુધી ગોવામાં પણ સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સવંત દ્રારા આ જાહેરાત કરવામાં આવી છે.
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે રાજ્યમાં 29મી એપ્રિલથી સાંજે 7 વાગ્યાથી લઈને 3જી મે સવાર સુધી લોકડાઉન રહેશે. જીવન જરૂરિયાતની વસ્તુઓ અને ઈન્ડસ્ટ્રિયલ ગતિવિધિને છૂટ રહેશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેશે. કેસિનો, હોટેલ્સ, પબ પણ બંધ રહેશે. જરૂરી સેવાઓ માટે બોર્ડર ખુલી રહેશે.
ગોવામાં કોરોના વાયરસના મંગળવારે 2110 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 31 દર્દીઓના મોત થયા. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 81,908 થઈ છે. જ્યારે કુલ મૃતકોની સંખ્યા 1086 છે. રાજ્યમાં હાલ 16591 એક્ટિવ કેસ છે.
દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર બાદ ગોવાએ પણ હવે લોકડાઉનનો નિર્ણય લઈ લીધો છે.જ્યારે રાજસ્થાનમાં પણ લોકડાઉન જેવા જ પ્રતિબંધો છે.જ્યારે ગુજરાતે મિનિ લોકડાઉન જેવી ગાઈડલાઈન બહાર પાડી છે.